જામનગરના રિલાયન્સ રિફાઈનરી ખાતે આવેલા વનતારામાં વધુ એક હાથીનું આગમન થયું છે. વનતારા એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પશુ કલ્યાણને લગતી કાર્યવાહીના ભાગરૂપે અનંત અંબાણી દ્વારા ઊભુ કરાયેલ વન્ય પ્રાણી અને પક્ષીઓ માટેનું સ્થળ છે. જેમાં દેશ વિદેશથી અનેક પ્રાણીઓને વનતારામાં લાવવામાં આવ્યા છે.
વનતારા ખાતે વિદેશથી એક હાથી લાવવામાં આવ્યો છે. યુનાઇટેડ આરબ અમીરાતના શારજાહ સ્થિત કાર્ગો સર્વિસ માટે જાણીતા MeskAir ના ખાસ વિમાન દ્વારા આ હાથીને જામનગરના વનતારામાં લાવવામાં આવ્યો છે.
જામનગરમાં વર્ષ 2010માં અહીં હાથીઓ માટે, જ્યારે વર્ષ 2020માં અન્ય પ્રાણીઓના બચાવ માટે ગ્રીન ઝુઓલોજીકલ રેસ્ક્યુ એન્ડ રિહેબીલેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી. જેના દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષોમાં 200 જેટલાં હાથી, ચિત્તા સહીતના અન્ય પ્રાણીઓ, સરિસૃપો અને પક્ષીઓને અસુરક્ષિત પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને બચાવવામાં આવ્યા છે.
ગુજરાતના જામનગરમાં રિલાયન્સના રિફાઈનરી કોમ્પલેક્સમાં, ગ્રીન બેલ્ટ અંતર્ગત 3 હજાર એકર વિસ્તારમાં આ “વનતારા” એટલે કે “જંગલના સિતારા” પ્રોજેક્ટ ફેલાયેલો છે. જેમાં દેશ વિદેશના અનેક પશુ અને પક્ષીઓને લાવવામાં આવ્યા છે.