અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, એટલાન્ટામાં રહેતા મૂળ કરમસદના પરિવાર પર અશ્વેત લૂંટારુઓએ કર્યો હુમલો

|

Jan 21, 2023 | 4:36 PM

પરિવાર બહારથી ઘરે પરત આવતા ઘરમાં જ લૂંટારુઓએ હુમલો કર્યો હતો. હુમલામાં મૂળ કરમસદના પીનલ પટેલનું ઘટના સ્થળે જ મોત થયુ છે. પીનલ પટેલના પત્ની અને દીકરી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઇ છે. અમેરિકાના એટલાન્ટા સિટીમાં રહેતા મૂળ આણંદ જિલ્લાના કરમસદના પરિવાર પર હુમલો થયો છે. પરિવારના ત્રણ લોકો ઉપર અશ્વેત લૂંટારુઓએ હુમલો કરતા એકનું મોત થયુ છે. પરિવાર બહારથી ઘરે પરત આવતા ઘરમાં જ લૂંટારુઓએ હુમલો કર્યો હતો. હુમલામાં મૂળ કરમસદના પીનલ પટેલનું ઘટના સ્થળે જ મોત થયુ છે. પીનલ પટેલના પત્ની અને દીકરી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. લૂંટ કરવા આવેલ અશ્વેત લૂંટારુઓએ ઉપરા ઉપરી ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપ્યો હતો.

મૂળ કરમસદના પરિવાર પર અમેરિકામાં હુમલો

વિદેશમાં વારંવાર ગુજરાતીની હત્યા થવાના અનેક સમાચાર સામે આવતા હોય છે. વર્ષ 2014થી આજ દિન સુધીમાં વિદેશમાં અંદાજીત 50 કરતા વધુ વખત ગુજરાતીઓ પર હુમલા થયા છે. આ હુમલાઓ ગુજરાતીઓની હત્યાઓ પણ થઇ છે. તાજેતરમાં જ અમેરિકાના એટલાન્ટા શહેરમાં રહેતા મૂળ ગુજરાતના આણંદ જિલ્લાના કરમસદના પરિવાર પર હુમલો થયો છે. 52 વર્ષની ઉંમરના પીનલભાઇ પટેલ તેમની પત્ની રુપલબેન અને દીકરી ભક્તિ સાથે એટલાન્ટમાં રહેતા હતા.

માતા અને બાળકી હાલ સારવાર હેઠળ

પરિવારના ત્રણેય સભ્યો બહારથી ઘરે પરત ફર્યા ત્યારે ઘરમાં જ લૂંટારુઓએ તેમના પર હુમલો કર્યો હતો. લૂંટારુઓએ આ ત્રણેય ગુજરાતીઓ પર ફાયરિંગ કર્યુ હતુ. આ ઘટનામાં પીનલ પટેલનું ઘટનાસ્થળ પર જ મોત થયુ છે. જ્યારે તેમના પત્ની રુપલબેન પીનલભાઇ પટેલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. તેમને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. તો તેમની 17 વર્ષની દીકરીની પણ હાલ સારવાર ચાલુ છે. સમગ્ર મામલે અમેરિકાની પોલીસ દ્વારા હાલ તપાસ શરુ કરી દેવામાં આવી છે.

મહત્વનું છે કે, ચરોતર NRIનું હબ કહેવામાં આવે છે. અહીંના પરિવાર વર્ષોથી વિદેશોમાં સ્થાયી થયેલા છે. આ પરિવાર પણ ચરોતરમાં છે. ઘટના બન્યા બાદ અમેરિકામાં તેમના નજીકના કોઇપણ સંબંધીનો હજુ સુધી સંપર્ક થયો નથી. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(વિથ ઇનપુટ-ધર્મેન્દ્ર કપાસી, આણંદ)

Published On - 4:15 pm, Sat, 21 January 23

Next Video