આણંદમાં સૌપ્રથમ વખત યોજાશે બ્રાહ્મણ સંમેલન, રાજ્યભરમાંથી 10 હજાર ભૂદેવો થશે એકત્ર- Video
એક સમયે વિદ્યાનગરી તરીકે ઓળખાતા આણંદમાં 20 નવેમ્બરે બ્રાહ્મણ સંમેલન યોજાવા જઈ રહ્યુ છે. આ સંમેલનમાં રાજ્યભરમાંથી 10 હજાર ભૂદેવો સામેલ થશે. Gen-Z ભૂદેવો પણ આ સંમેલનનો મહત્વપૂર્ણ હિસ્સો બનશે.
विप्राणां संगमो यत्र ज्ञानधर्मप्रवर्धनम्।
तत्रैव जायते पुण्यं सर्वलोकहिताय च॥
અર્થાત… “જ્યાં બ્રાહ્મણો નો સમૂહ એકત્ર થાય છે, ત્યાં જ્ઞાન અને ધર્મનો પ્રસાર થાય છે તથા સમગ્ર સમાજના હિતનાં કાર્યોનું સર્જન થાય છે. “
ગુજરાતની વિદ્યાનગરી તરીકે ઓળખાતા આણંદમાં 20 નવેમ્બરે સૌપ્રથમ બ્રાહ્મણ સંમેલન યોજાવા જઈ રહ્યુ છે. આ મહાસંમેલનમાં રાજ્યભરમાંથી 10 હજાર ભૂદેવો એકત્ર થશે. જેમા મોટી સંખ્યામાં Gen-Z ભૂદેવો પણ સામેલ થશે. આણંદમાં સૌપ્રથમવાર આ પ્રકારે મોટા પાયે બ્રાહ્ણણોનું સંમેલન મળવા જઈ રહ્યુ છે. આ મહાસંમેલનના માધ્યમથી બ્રાહ્મણો સરકાર સમક્ષ વિવિધ રજૂઆતો કરશે. જેમા સરકાર કર્મકાંડને વ્યવસાય તરીકે માન્યતા આપે તેવી રજૂઆત કરાશે. આ સાથે EWS કેટેગરીના લાભ છેવાડાના બ્રાહ્મણો સુધી પહોંચે તેવા પ્રયાસ કરવા માગ કરવામાં આવી છે. રાજ્યના બ્રાહ્મણ ધારાસભ્યોને લઈને પણ બ્રાહ્મણ આગેવાનોમાં નારાજગી જોવા મળી રહી છે. આગેવાનોનો આક્ષેપ છે કે આ ધારાસભ્યો સમાજ માટે કોઈ રજૂઆત કરતા નથી. આ સંમેલન દ્વારા બ્રાહ્મણ સમાજ તેમની લાગણી અને માગણી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ્ઞાતિગત સમીકરણો સેટ કરવાની તૈયારીઓ શરૂ થઈ છે, જેમા સૌપ્રથમ કોળી સમાજ દ્વારા તેમને પ્રભુત્વ આપવા અને વસ્તીની દૃષ્ટિએ ટિકિટની ફાળવણી કરવા અને યોગ્ય નેતૃત્વ આપવાની માગ કરાઈ રહી છે. બીજી તરફ પાટીદાર સમાજ દ્વારા પણ અનામત આંદોલનનો મુદ્દો ઉઠાવીને પાટીદાર નેતા આનંદીબેનના પદનો ભોગ લેવાયો હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી છે અને ખોડલધામના સંગઠન અધ્યક્ષ અનાર પટેલને હવે આ વિધાનસભા ની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવે તેવો ગણગણાટ પણ શરૂ થયો છે. ત્યારે ચૂંટણી પહેલા મોટાભાગના સમાજો દ્વારા તેમની રાજકીય સોગઠાબાજી ગોઠવવાની શરૂ થઈ ગઈ છે. જેમા હવે બ્રાહ્મણ સમાજ દ્વારા પણ આ સંમેલન યોજી સરકાર સુધી તેમની માગ પહોંચાડવાનો એક પ્રયાસ કરાશે તેવુ હાલ લાગી રહ્યુ છે.
