AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોળી સમાજમાંથી CM બનાવવાના પબુભાના નિવેદનને પાટીદાર અગ્રણીઓએ વખોડ્યુ, તો ગોપાલ ઈટાલિયાએ અમિત શાહનું નામ લઈને કર્યો કટાક્ષ- Video

ધારાસભ્ય પબુભા માણેકના "કોળી સમાજમાંથી CM બને" વાળા નિવેદને ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવ્યો છે. આ મુદ્દે પાટીદાર અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો, જ્યારે ગોપાલ ઈટાલિયાએ કટાક્ષ કર્યો. કોળી આગેવાન પ્રવીણ કોળીએ પબુભાના નિવેદનને સમર્થન આપી, સમાજની જૂની માંગણી દોહરાવી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2026 | 10:16 PM
Share

ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બને તેવું નિવેદન આપ્યા બાદ હવે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. પબુભાના નિવેદનને લઈને એક તરફ પાટીદાર અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો છે, તો બીજી તરફ કોળી સમાજના આગેવાનોએ તેમની માગણીને સમર્થન આપ્યું છે. આમ, મુખ્યમંત્રીના પદને લઈને શરૂ થયેલી આ ચર્ચાએ ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિ આધારિત સમીકરણોનો મુદ્દો ફરી ચર્ચામાં લાવી દીધો છે.

દિનેશ બાંભણિયાએ પબુભાના નિવેદનને વખોડ્યું

પબુભા માણેકના નિવેદન સામે પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ વાંધો ઉઠાવ્યો છે. તેમના મતે મુખ્યમંત્રી કોઈ એક જ્ઞાતિ કે સમાજના નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના હોવા જોઈએ. મુખ્યમંત્રીની પસંદગી જ્ઞાતિ કે સમાજના આધારે નહીં, પરંતુ સમગ્ર રાજ્યના હિતને ધ્યાનમાં રાખીને થવી જોઈએ. તેમણે ભૂતકાળમાં નાના સમાજની વ્યક્તિઓ પણ CM બની હોવાનું યાદ અપાવીને કહ્યું કે રાજકીય નેતાઓએ સમાજને જોડે તેવાં નિવેદનો કરવાં જોઈએ, વિભાજન થાય તેવાં નહીં. જ્ઞાતિવાદને બદલે ગુજરાતના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો છે.

વરુણ પટેલે પબુભાને આપ્યો ખુલ્લો પડકાર

બીજી તરફ પાટીદાર અગ્રણી વરુણ પટેલે પણ પબુભા માણેકના નિવેદન સામે આક્રમક પ્રતિક્રિયા આપી છે. વરુણ પટેલે પબુભાને પડકાર ફેંકતા કહ્યું કે તેઓ સત્તા અને પૈસાના જોરે આવી વાતો કરી રહ્યા છે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો કે પબુભા પાર્ટીના જોરે ચૂંટણી જીતે છે. જો તેમનામાં ખરેખર તાકાત હોય તો પાર્ટીથી અલગ રહીને એકલા ચૂંટણી લડી બતાવે.

ગોપાલ ઈટાલિયાનો અમિત શાહને લઈને કટાક્ષ

આ વિવાદમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ પણ ઝંપલાવ્યું છે. તેમણે પબુભા માણેકના નિવેદનને લઈને કટાક્ષ કરતાં સવાલ કર્યો કે મુખ્યમંત્રી કોણ બનશે તેનો નિર્ણય પબુભા કરશે કે અમિત શાહ? ઈટાલિયાએ પબુભાને સલાહ આપતા કહ્યું કે જો તેઓ ખરેખર કોળી સમાજમાંથી CM બનાવવાની માગણી કરતા હોય તો ભાજપના ધારાસભ્યોને સાથે લઈને દિલ્હીમાં અમિત શાહને મળવા જાય અને તેમની સમક્ષ આ રજૂઆત કરે.

ઈટાલિયાએ વધુમાં કહ્યું કે પબુભા આવો કોઈ કાર્યક્રમ રાખે તો તેઓ પણ તેમાં જોડાવા તૈયાર છે. જોકે, તેમણે પડકાર ફેંકતા કહ્યું કે પબુભામાં ખરેખર આ હિંમત છે કે નહીં તે જોવાનું રહેશે.

કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ પબુભાને આપ્યું સમર્થન

એક તરફ પાટીદાર આગેવાનો પબુભાના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ પબુભાનું સમર્થન કર્યુ છે. પ્રવીણ કોળીના જણાવ્યા અનુસાર કોળી સમાજમાંથી CM બનાવવાની માગણી નવી નથી, પરંતુ વર્ષો જૂની છે. અગાઉ પણ અનેક સમાજ દ્વારા આ પ્રકારની રજૂઆતો કરવામાં આવી છે. તેમણે આશા વ્યક્ત કરી કે વર્ષોથી કરવામાં આવતી આ માગણી હવે પૂર્ણ થશે. પ્રવીણ કોળીએ એવો મુદ્દો પણ ઉઠાવ્યો કે વસતીના પ્રમાણમાં કોળી સમાજને ચૂંટણીમાં ટિકિટ મળતી નથી.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">