CM Bhupendra Patel: ગણેશોત્સવને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો કર્યા દૂર

|

Jul 09, 2022 | 10:25 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આગામી ગણેશોત્સવ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગણેશોત્સવ દરમ્યાન સ્થાપન કરવામાં આવનારી ગણેશજીની મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે.

હવે ચોમાસાની સિઝનમાં ઘણાં બધા તહેવારોની હારમાળા સર્જાશે. તેમાં આવતાં ભાદરવા મહિનામાં ગણેશોત્સવ આવશે અને બાપાના ભક્તો બાપાને વાજતે-ગાજતે પધરામણી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રાજ્યમાં શ્રદ્ધા-ઉલ્લાસપૂર્વક લોકો દ્વારા મનાવવામાં આવતા ગણેશચર્તુથી ઉત્સવ (Ganeshotsav) સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મૂર્તિની ઊંચાઇની મર્યાદા રાખવામાં આવેલી હતી

રાજ્યમાં મોટી સંખ્યામાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા જાહેરમાં ગણેશ સ્થાપન કરવામાં આવે છે અને વ્યક્તિગત ગણેશ સ્થાપન પણ અનેક લોકો-પરિવારો પોતાના ઘરોમાં કરતા હોય છે. 2021ના ગણેશોત્સવમાં કોવિડ-19 ની સ્થિતીને ધ્યાને લઇને આવા જાહેર સ્થળો તથા વ્યક્તિગત ઘરોમાં ગણેશ સ્થાપનમાં મૂર્તિની ઊંચાઇની મર્યાદા રાખવામાં આવેલી હતી.

CMએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય

તદ્દઅનુસાર, જાહેર સ્થળોએ થતા ગણેશ સ્થાપનમાં 4 ફૂટની ઊંચાઇ તથા ઘરમાં 2 ફૂટની ઊંચાઇની ગણેશ મૂર્તિની સ્થાપના કરવાની મર્યાદા નિર્ધારીત થયેલી હતી. કોવિડ-19 સંબંધિત તમામ નિયંત્રણો તા.31 માર્ચ-2022 પછી અમલમાં નથી, તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે, ગુજરાતમાં હવે ગણેશચર્તુથીના આગામી ઉત્સવ દરમ્યાન જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશ મૂર્તિની ઊંચાઇ સંબંધે કોઇ નિયંત્રણો અમલમાં નહિ રહે. ગણેશજીની મૂર્તિ બનાવવા તથા તેના વિસર્જન અંગે કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલા માર્ગદર્શક સૂચનોનો અમલ કરવાનું યથાવત રાખવામાં આવ્યું છે.

ગણેશ ભક્તો થશે આનંદિત

આ સમાચાર સાંભળીને બની શકે છે કે ગણેશ ભક્તો હર્ષોઉલ્લાસમાં આવી જશે તેમજ પોતાના મુજબ અને મનગમતી મૂર્તીઓની સ્થાપના કરીને ગણેશઉત્સવ ઉજવશે. જો કે દરવખતે પર્યાવરણને લઈને ઈકો-ફ્રેન્ડલી ગણેશનું સ્થાપન કરવામાં આવતું હોય છે. આ વખતે પણ જોવા એ રહ્યું છે કે લોકો સરકારનો કેટલો સાથ આપે છે.

Published On - 10:04 am, Sat, 9 July 22

Next Video