હવે બારેમાસ ખાવા મળશે કેરી ! પ્રગતિશીલ ખેડૂતોનો નવતર પ્રયાસ, જાણો શું છે પંચરત્ન કેરીની વિશેષતાઓ ?
એકવાર ચોમાસુ જામે એટલે આંબાવાડીયાઓમાંથી. કેરીની ફોરમ જાણે ગાયબ થવા લાગે. કારણ કે કેરી પાકે અને તેની ફોરમ પ્રસરે તે માટે ઉનાળાની રાહ જોવી પડે. અને એવી જ રાહ તો કેરીના રસિયાઓએ પણ જોવી પડે. પરંતુ, અમરેલીના દિતલા ગામેથી તો કંઈક અલગ જ નજારો સામે આવી રહ્યો છે.
હાલ ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે. અને આમ તો આ મહિનામાં માર્કેટમાં કેરીઓ દેખાવાની બંધ થઈ જતી હોય છે. પરંતુ, અમરેલીના ધારી તાલુકામાં આવેલ દિતલા ગામના આંબાવાડીયાઓને જુઓ. અહીં કેરીઓ ડાળી પર ઝળુંબી રહી છે. અને આંબાવાડીયાઓ તેની ફોરમથી મહેંકી ઉઠ્યા છે. ભર ચોમાસામાં પાકી રહેલી આ અનોખી કેરી એટલે “પંચરત્ન કેરી”. દાવો કરાઈ રહ્યો છે કે સ્વાદમાં આ કેરી “કેસર કેરી”ને પણ ટક્કર મારે એવી છે.
હકીકતમાં કેસર કેરી જેવી જ મીઠી કેરી મળે અને લોકોને બારેયમાસ કેરી ખાવા મળે તે માટે દિતલા ગામના પ્રગતિશીલ ખેડૂતો છેલ્લા ઘણાં સમયથી સંશોધન કરી રહ્યા હતા. ખેડૂત હરેશભાઈ અને રણજીતભાઈ પોતાની કોઠાસૂઝથી છેલ્લાં અનેક વર્ષોથી આ અંગે પ્રયોગો કરી રહ્યા હતા. અને હવે તેમની આ મહેનત રંગ લાવી છે.
કેસર કેરીની સિઝન પૂર્ણ થયા બાદ પંચરત્ન કેરીનો પાક આવે છે. આ કેરીની વિશેષતા એ છે કે પાકી ગયા બાદ પણ આ કેરી 20 થી 25 દિવસ સુધી બગડતી નથી. શ્રાવણ અને દિવાળીમાં પંચરત્ન કેરીનો ફાલ આવે છે. અને માત્ર ગુજરાતમાં જ નહીં રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ આ કેરી મોકલવામાં આવે છે.
પંચરત્ન કેરીની વિશેષતાથી આકર્ષાઈને હવે મોટી સંખ્યામાં અન્ય ખેડૂતો પણ તેને જોવા આવે છે. અને યોગ્ય માર્ગદર્શન મેળવીને વિવિધ પ્રકારની આંબાની કલમો લઈ જાય છે. જેમ વધુ પંચરત્ન કેરી માટે પ્રયાસ થશે. તેમ વધુ ઉત્પાદન થશે. અને આવનારા દિવસોમાં કેરી રસિયાઓને બારેયમાસ કેરીનો સ્વાદ માણવા મળશે.
(ઈનપુટ ક્રેડિટ – રાહુલ બગડા, અમરેલી)