
અમરેલી જિલ્લામાં કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતની કાર પર ગત મધરાત્રે હુમલો થવાની ઘટના સામે આવતા જિલ્લાની કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠી રહ્યા છે. સરદાર સન્માન યાત્રાનું સોમનાથ ખાતે સમાપન કરીને અમરેલી પરત ફરતી વખતે દુધાળા ગામ નજીક 15 -20 અસામાજિક તત્વોના ટોળાએ પાઈપથી હુમલો કર્યો હતો. આ અંગે પ્રતાપ દૂધાતે અમરેલી જિલ્લા SPને રજૂઆત કરી છે. સાથે જ પ્રતાપ દૂધાતનું કહેવુ છે કે અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. ડ્રાઈવરે સમય સૂચક્તા વાપરી કાર દોડાવી ન હોત તો મોટી જાનહાનિ જેવી દુર્ઘટના સર્જાઈ હોત
વધુમાં પૂર્વ MLA પ્રતાપ દૂધાતે જણાવ્યુ કે આ બનાવ કેમ બન્યો અને એ લોકો કોણ હતા એ જવાબ તપાસ કરીને પોલીસ આપશે. આ તરફ અમરેલી જિલ્લા એસપી સંજય ખરાતે ઘટના અંગે જણાવ્યુ કે જે વિસ્તારમાં ઘટના બની ત્યાં પ્રવાસીઓની સૌથી વધુ અવરજવર હોય છે. આ પ્રકારની ઘટના ન બને તે માટે કડક પગલાં લેવામાં આવશે. જો કે અહીં સવાલ એ પણ છે કે જે વિસ્તારમાં ઘટના બની ત્યાં પ્રવાસીઓની અવરજવર વધુ હોય છે તો ત્યાં પોલીસ પેટ્રોલિંગ કેમ ન હતુ? શું આ જ પ્રકારે અસામાજિક તત્વો દ્વારા પ્રવાસીઓને રંઝાડવામાં આવે છે. તે પણ મોટો સવાલ છે.આશંકા એવી પણ છે કે લૂંટના ઈરાદે પ્રતાપ દૂધાત પર હુમલો કરવામાં આવ્યો હોઈ શકે. ત્યારે જો પૂર્વ ધારાસભ્ય જ રાત્રે નીકળવામાં સલામત નથી તો આમ નાગરિકોની સલામતીનું શું? તે પણ ચિંતા ઉપજાવે છે.
Published On - 4:28 pm, Tue, 23 September 25