Amreli: બાબરાની કાળુભાર નદીમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા

| Edited By: | Updated on: Jan 25, 2023 | 8:38 AM

અમરેલી (Amreli) જિલ્લાના બાબરામાં પસાર થતી કાળુભાર નદીમાં પાણી છોડવાની માગ કરવામાં આવી છે. કાળુભાર નદીમાં સૌની યોજનાનું પાણી છોડવાની માગ સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે અને ખેડૂતોએ કાળુભાર નદીના પટમાં ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે જો કાળુભાર નદીમાં પાણી છોડવામાં નહીં આવે તો તેમનો રવિ પાક નિષ્ફળ જશે.

ગુજરાતમાં ખેડૂતોને મળતા પાણી મુદ્દે બે વિરોધાભાસી દ્રશ્યો  જોવા મળ્યા છે એક તરફ અમરેલીના  બાબરામાં કાળુભાર નદીમાં પાણી છોડવામાં આવે તે માટે  ખેડૂતોએ માંગણી કરી છે તો બીજી તરફ  સુરેન્દ્રનગરમાં તંત્રની બેદરકારીને  પગલે  લાખો લિટર પાણી વેડફાયું છે અને  આ પાણી ખેતરમાં ફરી વળતા શિયાળું પાકને નુક્શાન થયું છે બંને ઘટનામાં ખેડૂતોએ નુકસાન વેઠવાનો  વારો આવ્યો છે.

બાબરાની  કાળુભાર નદીમાં પાણી છોડવાની ઉગ્ર માગ

વિગતવાર માહિતી જોઇએ તો અમરેલી જિલ્લાના બાબરામાં પસાર થતી કાળુભાર નદીમાં પાણી છોડવાની માગ કરવામાં આવી છે. કાળુભાર નદીમાં સૌની યોજનાનું પાણી છોડવાની માગ સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે અને ખેડૂતોએ કાળુભાર નદીના પટમાં ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો.   ખેડૂતોનું કહેવું છે કે જો કાળુભાર નદીમાં પાણી છોડવામાં નહીં આવે તો તેમનો રવિ પાક નિષ્ફળ જશે. ખેડૂતોએ માંગ કરી હતી કે ચણા, ધાણા, જીરું અને ઘઉં સહિતના રવિ પાક માટે તેમને પાણીની જરૂર છે. જો પાણી છોડવામાં નહીં આવે તો પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.

સુરેન્દ્રનગરમાં પાઇપલાઇનમાં ભંગાણથી લાખો લિટર પાણીનો વેડફાટ

એક તરફ  ખેડૂતો પાણી માટે માંગણી કરી રહ્યા છે  તો બીજી તરફ  સુરેન્દ્રનગરમાં  લાખો લિટર પાણીનો વેડફાટ  થયો છે. સુરેન્દ્રનગરના ચુડાના ચોકડી ગામ નજીક તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સૌની યોજનાની પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયું છે. પાઈપલાઈન તૂટવાના પગલે અંદાજે 30 ફૂટથી ઉંચા પાણીના ફુવારા ઉડયા. વડોદથી નાગડકા તરફ જતી પાઈપલાઈનમાં ભંગાણ થતાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો.  આ પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના જીરું, ઘઉં, કપાસ સહિતના પાકોને મોટાપાયે નુકસાન થયું હતું. બીજી તરફ પાઈપલાઈનના પાણીના કારણે સીમના રસ્તાઓ ધોવાઈ જતાં લોકોને ભારે હાલાકી પડી હતી. ખેડૂતો સહિત ગામના આગેવાનોએ તંત્રના અધિકારીઓને જાણ કરી છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.