સ્કુલવાનમાં બાળકોને મોકલતા સૌ કોઈ વાલી માટે ચેતવણીજનક કિસ્સો, વિદ્યાર્થીનીઓ ચાલુ વાનથી નીચે પટકાઈ, જુઓ વાયરલ વીડિયો

|

Jun 21, 2024 | 3:13 PM

પોતાના સ્વાર્થ માટે હડતાળ પાડનારા સ્કુલ વર્ધીના વાહન ચાલકોની બેદરકારીનો એક સીસીટીવીનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો ભલે વાયરલ થયેલો હોય, પરંતુ આવી સ્થિતિ ગમે તે શહેરમાં સ્કુલ વાનમાં શાળાઓ મોકલતા વાલીના બાળક સાથે પણ બની શકે છે. આ વાયરલ વીડિયોમાં સોસાયટીમાંથી ઝડપભેર પસાર થઈ રહેલ સ્કુલવાનમાંથી વિદ્યાર્થીનીઓ રોડ પર પટકાતી હોવાનો સ્પષ્ટપણે જોઈ શકાય છે.

સ્કુલ વર્ધીના ઉપયોગમાં લેવાતા વાહનોમાં બાળકોની સુરક્ષા માટે જ્યારે તંત્ર પગલાં લેવાની વાત કરે છે ત્યારે સ્કુલવર્ધીના વાહન ચાલકો વાલી અને વિદ્યાર્થીઓને રીતસરના બાનમાં લેતા હોય તેમ હડતાળનું શસ્ત્ર ઉગામે છે. પરંતુ જેના થકી તેમની કમાણી થાય છે તેવા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ક્યારેક દરકાર ના લેતા હોય તેવુ લાગે છે. સ્કુલ વર્ધીની વાન કેટલી બેદરકારીથી ચલાવવામાં આવી રહી હોય છે તેનો એક વાયરલ વીડિયો સામે આવ્યો છે. સીસીટીવીમાં કેદ થયેલ આ વીડિયો વાયરલ સ્વરૂપે સામે આવતા જ વાનમાં પોતાના લાડકવાયાને શાળાએ મોકલતા વાલીઓ માટે ચેતવણી રૂપ છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક સોસાયટીમાંથી ઝડપભેર પસાર થઈ રહેલ સ્કુલ વાનમાંથી બે વિદ્યાર્થીનીઓ રોડ પર રીતસરની પટકાય છે. જેમાંથી એક વિદ્યાર્થીની તો રીતસરની રોડ ઉપર કેટલાક ફૂટ ઘસડાય છે. ઘટના બની ત્યારે આજુબાજૂના બંગલાના રહીશો એકાએક દોડી આવીને ઈજા પામેલા ભૂલકાઓની સંભાળ કરી રહ્યાં છે. સીસીટીવીની જ્યાં સુધીની રેન્જ છે, ત્યાં સુધીના વીડિયોમાં તો, વાનમાંથી વિદ્યાર્થીનીઓ પડી ગઈ હોવા છતા, વાનચાલક વાન ઊભી રાખતા જણાતા નથી. ઝડપથી દોડી રહેલા સ્કુલ વાનમાંથી પડી ગયેલ, બે વિદ્યાર્થીનીઓ પૈકી એક વિદ્યાર્થીની કેટલાક ફુટ રોડ ઉપર ઘસડાય છે. જ્યારે તે ઊભી થાય છે ત્યારે ખબર પડે છે કે તેને શરીરમાં કોઈ ગંભીર ઈજા પહોચી છે. સોસાયટીના રહીશો આ બન્ને ગભરાયેલી વિદ્યાર્થીનીઓને ઘરમાં લઈ જતા જોઈ શકાય છે.

આવી ઘટના સામે આવે ત્યારે સ્કુલવર્ધીના વાહનો ચલાવતા એસોસિએશન કે અન્ય કોઈ સંગઠન વાલી કે વિદ્યાર્થીઓના હિતમાં કોઈ વાત નહી કરે. જો સરકાર વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક સુરક્ષાના પગલા લેવાની વાત કરે તો તરત જ હડતાળ કે ભાવ વધારાનું શસ્ત્ર ઉગામીને એક પ્રકારે વાલી-વિદ્યાર્થીઓને બાનમાં લેવાનો પ્રયાસ કરે છે. ખરેખર તો ક્યાય પણ આવી કોઈ ગંભીર ઘટના બને તેનુ પુનરાવર્તન ક્યાય પણ ના થાય તેવા પગલા ખુદ સ્કુલવર્ધીના વાહનચાલકો કે તેમના એસોસિએશન અને સંગઠનોએ ભરવા જોઈએ. આ ઘટનાની કેટલી ગંભીર અસર ભોગ બનનાર વિદ્યાર્થીનીના મન પર પડી હશે તે કલ્પનાનો વિષય છે. ભવિષ્યમાં આવા કોઈ પણ બનાવો ક્યાય ના બને તેના માટે સ્કુલ વર્ધીના વાહન ચાલકોના એસોસિએશને આગળ આવવું પડશે.

Next Video