ગુજરાતમાં હાલ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ગઇકાલે ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં સેકન્ડ લેન્ગવેજ અંગ્રેજી વિષયનું પેપર હતું. જેમાં પ્રશ્ન ન.61માં સ્પીચના ઓપ્શનમાં એપ્લિકેશન અંગેનો પ્રશ્ન રહેશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે એપ્લિકેશન એટલે કે અરજીનો પ્રશ્ન પુછાયો ન હતો. ત્યારે અમદાવાદ શાળા સંચાલકોએ શિક્ષણ બોર્ડ અધ્યક્ષને પત્ર લખી અંગ્રેજી ભાષામાં 6 ગુણનું ગ્રેસીંગ આપવા માગ કરી છે.
61માં પ્રશ્નમાં સ્પીચ તેના વિકલ્પમાં અરજી પુછવી એવો 31/7/2019ના ઠરાવમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓએ અરજી લખવામાં સરળતાના આધાર પર પરીક્ષામાં અરજી લખવાની તૈયારી કરી હતી. જો કે પ્રશ્નપત્રમાં અરજી પુછવામાં જ આવી ન હતી. જેના કારણે વિદ્યાર્થીઓ નિરાશ થયા હતા. અમદાવાદમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત શાળા સંચાલકો દ્વારા અંગ્રેજીના પેપરમાં અરજી લખાણ અંગે પ્રશ્ન ન પુછાતા ગંભીર ભૂલ હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.
અમદાવાદ શાળા સંચાલકોએ શિક્ષણ બોર્ડ અધ્યક્ષને પત્ર લખી અંગ્રેજીના પેપરમાં અરજી લખાણ અંગે ન પુછાતા ગંભીર ભૂલ હોવાના આક્ષેપ કર્યા છે. આ પ્રશ્ન જ ન પુછાતા વિદ્યાર્થીઓને માર્કસમાં નુકસાન જવાની ભીતિ શિક્ષકોને સતાવી રહી છે. ત્યારે શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને ન્યાય આપવા શિક્ષણ બોર્ડને પત્ર લખ્યો છે અને ભૂલ સુધારીને યોગ્ય માર્ક્સ આપવા સંચાલક મંડળે માગ કરી છે. પત્રમાં વિકલ્પ તરીકે એપ્લિકેશનનો પ્રશ્ન કરવામાં નથી આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.