અમદાવાદ RTO ની કડક કાર્યવાહી : OLA, UBER અને રેપિડોના વાહનો ડિટેઇન, નોટિસ ફટકારી
અમદાવાદ RTO એ OLA, UBER અને રેપિડો સામે કડક પગલાં લેતાં ટ્રાન્સપોર્ટ રજીસ્ટ્રેશન વિના દોડતા 31 વાહનો ડિટેઇન કર્યા છે. નિયમોના ઉલ્લંઘન બદલ ₹5 લાખથી વધુનો દંડ વસૂલી કંપનીઓને નોટિસ પાઠવી છે.
ગુજરાતમાં પ્રથમ વખત ઓનલાઇન કેબ અને બાઇક એગ્રીગેટર સેવાઓ સામે અમદાવાદ RTO દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ રજીસ્ટ્રેશન વિના ગેરકાયદે દોડતા વાહનો સામે લાલ આંખ કરીને તંત્રએ OLA, UBER અને રેપિડો સાથે જોડાયેલા કુલ 31 વાહનોને ડિટેઇન કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન નિયમભંગ બદલ ₹5 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન સામે આવ્યું કે સફેદ નંબર પ્લેટ ધરાવતા 10 ખાનગી ટુ-વ્હીલરને કોમર્શિયલ પેસેન્જર સેવા માટે વાપરવામાં આવી રહ્યા હતા, જેમને ₹1.25 લાખનો દંડ કરાયો છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં રજીસ્ટર્ડ થયેલી 21 ફોર-વ્હીલર કાર અમદાવાદમાં દોડતી ઝડપાઈ છે.
RTO દ્વારા ત્રણેય મોટી એગ્રીગેટર કંપનીઓને સત્તાવાર નોટિસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો છે કે તેઓ કઈ કઈ સર્વિસ માટે માન્યતા ધરાવે છે. માન્ય પરમિટ અને કોમર્શિયલ રજીસ્ટ્રેશન વગર પેસેન્જર પરિવહન કરાવતી કંપનીઓ સામે આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવાની ચીમકી આપવામાં આવી છે.

