ઘણા લાંબા સમયથી મેટ્રો ટ્રેનમાં (Metro train) મુસાફરી કરવાની રાહ જોઇ રહેલા અમદાવાદીઓની (Ahmedabad) આતુરતાનો અંત આવશે. અમદાવાદમાં ટૂંક સમયમાં જ મેટ્રો ટ્રેન દોડતી થશે. મળતી માહિતી મુજબ આગામી ઓગસ્ટ મહિનાના અંત સુધી મેટ્રો ટ્રેન શરૂ થઇ શકે છે. મેટ્રોના બંને કોરિડોરમાં ટ્રાયલ રન પૂર્ણ કરવામાં આવ્યું છે. અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટનું (Ahmedabad Metro Project) સ્વપ્ન પુર્ણ થશે. હવે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવાની તારીખ ટૂંક સમયમાં જાહેર થશે.
મેટ્રો ટ્રેન શરૂ થવાને લઇ મહત્વના સમાચાર મળી રહ્યાં છે. ટૂંક સમયમાં જ મેટ્રો ટ્રેન અમદાવાદ શહેરના ચારેય તરફના ભાગને જોડીને મેટ્રો ટ્રેનના બંને કોરિડોર તૈયાર કરી દેવામાં આવ્યાં છે. મેટ્રોના બંને કોરિડોરને જોડીને કુલ 32 જેટલા સ્ટેશન આપવામાં આવ્યાં છે. જેમાં 18.87 કિમી લાંબો નોર્થ-સાઉથ કોરિડોર મોટેરા સ્ટેડિયમને વાસણા APMC સુધી જોડશે. નોર્થ-સાઉથ કોરિડોરમાં કુલ 15 એલિવેટેડ સ્ટેશન તૈયાર કરાયા છે. જ્યારે ઇસ્ટ-વેસ્ટ કોરિડોર વસ્ત્રાલને થલતેજ સુધી જોડશે. 21.16 કિમી લાંબા ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં 17 સ્ટેશન અપાયા છે.
2015માં અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ 1નું કામ શરૂ થયું હતું અને 2020 સુધીમાં પૂરું થવાનું હતું. જો કે કેટલાક કારણોસર આ કામગીરી લંબાઇ હતી. હવે અંતે ઓગસ્ટ 2022ના અંતે તેનું ઉદઘાટન થવાનું છે. રાજ્ય સરકાર પ્રધાનમંત્રી કાર્યાલય (પાસેથી ઉદ્ઘાટન માટેની તારીખો લઈ શકે છે. 15 ઓગસ્ટે દેશને આઝાદી મળ્યાના 75 વર્ષ થશે ત્યારે મેટ્રોના ફેઝ 1નું કામ પૂરું થવું વિશેષ બની રહેશે. ઉત્તર-દક્ષિણ કોરિડોર એપીએમસીથી મોટેરાના પટ્ટાને જોડશે. બાદમાં ફેઝ-2માં મહાત્મા મંદિર અને ગિફ્ટ સિટી સાથે પણ આ કોરિડોર જોડાઈ જશે. પૂર્વ-પશ્ચિમ કોરિડોર થલતેજ ગામથી વસ્ત્રાલ સુધીના પટ્ટાને જોડશે.