અમદાવાદના રાણીપમાં આવેલી ઝવેરીની દુકાનમાં બપોરના સમયે મહિલા લૂંટના ઈરાદે પહોંચી હતી. એ સમયે વેપારી એકલો જ દુકાન હતો. મહિલાએ આમતેમ નજર દોડાવી જે બાદ વેપારીની આંખમાં મરચુ છાંટવાનો પ્રયાસ કર્યો. પરંતુ ત્યાં તો ચબરાક વેપારીએ મહિલાને ઝડપી લીધી અને લાફાવાળી કરી. ઉપરાછાપરી વેપારીએ પહેલા તો મહિલાને 20 જેટલા લાફા જીંકી દીધા. ત્યારબાદ વેપારી મહિલાને પકડીને દુકાનની બહાર લઈ ગયો. વેપારીએ એટલી હદે ધડધડ લાફા જીંક્યા કે મહિલા કોઈ જ પ્રતિકાર ન કરી શકી. જો કે લૂંટારુ મહિલાએ આવી તો કલ્પના પણ નહીં કરી હોય અને આથી તે આ ઘટનાથી ડઘાયેલી અને ડરેલી પણ જોવા મળી.
વેપારી મહિલાને દુકાનની બૂહાર લઈ ગયો, જો કે તેમ છતા વેપારીએ માનવતા બતાવી મહિલા સામે કોઈ ફરિયાદ નોંધાવી નથી. વેપારીએ ફરિયાદ નોંધવાનો ઈનકાર કર્યો છે. જો કે આ ઘટના પરથી લૂંટારૂ મહિલાને એટલો તો બોધપાઠ મળી જ ગયો હશે કે દરેક વખતે મરચાંની ભૂકી કામ ન કરે. ક્યારેય રોમિયોગીરી કરતા આવારા તત્વો સામે આત્મરક્ષા માટે ઘણીવાર મહિલાઓ મરચાનો હથિયાર તરીકે પ્રયોગ કરતી હોય છે પરંતુ લૂંટ માટે તેનો ઉપયોગ ક્યારેય સ્વીકાર્ય ન જ હોઈ શકે.