Ahmedabad: અમદાવાદમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. શહેરના મોડલ રોડ ગણાતા સિંધુ ભવન માર્ગ પણ જળમગ્ન બન્યો છે. મોડલ રોડ પર પણ દોઢ દોઢ ફુટ સુધી પાણી ભરાઈ જતા લોકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. પાણી ભરાઈ જતા અનેક વાહનચાલકો અટવાયા હતા. સાંજનો સમય હોવાથી મોટાભાગના લોકો ઓફિસથી ઘરે જઈ રહ્યા હતા, તેમને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો.
માર્ગ જળમગ્ન થવાને કારણે કેટલાક વાહનચાલકોના વાહનો બંધ પડ્યા હતા. તેમને પાણીમાંથી વાહન દોરીને જવાની ફરજ પડી અને લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરના જો મોડલ રોડની આ દશા હોય તો અન્ય રોડનું તો શું કહેવુ એ સવાલ ચોક્કસ થાય.
tv9 દ્વારા આ વાહનચાલકો પાસેથી તેમની સમસ્યાને વાચા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તમામ લોકો એક જ વાત કહેતા જોવા મળ્યા હતા કે દર ચોમાસાએ આ જ સ્થિતિ હોય છે. તંત્ર માત્ર પ્રિમોન્સુન કામગીરીની મોટી મોટી વાતો કરે છે અને કરોડોના ટેન્ડર પાસ કરે છે પરંતુ જમીન પર એ ક્યાંય જોવા મળતો નથી.
આ પણ વાંચો: Ahmedabad Rain : અમદાવાદના જોધપુર સહિત વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ, રસ્તામાં ભરાયા પાણી, જુઓ Video
શહેરના પોશ ગણાતા વિસ્તારમાં પણ તંત્ર સારી ડ્રેનેજ વ્યવસ્થા આપી નથી શક્તુ. થોડા વરસાદમાં જ તંત્રના મોટા મોટા દાવાઓ કેટલા ખોખલા છે તેની પોલ ખૂલી જાય છે ત્યારે દરેકના મનમાં એક જ સવાલ છે કે આ સ્થિતિ ક્યાંરે બદલાશે? અમેરિકા જેવા રોડ બનાવવાની વાતો કરતી સરકારો એક સારી ડ્રેનેજ સિસ્ટમ ઉભી કરી શક્તી નથી એ વ્યથા પરેશાની વેઠતો દરેક શહેરીજન વ્યક્ત કરી રહ્યો છે.