અમદાવાદમાં રોંગ સાઇડ વાહનચાલકોને અટકાવવાનો કિમીયો બેઅસર, ટાયર કિલર બમ્પ પાસે પોલીસ જવાન કરાયા તૈનાત- Video

અમદાવાદમાં રોંગ સાઇડ વાહનચાલકોને અટકાવવાનો કિમીયો બેઅસર, ટાયર કિલર બમ્પ પાસે પોલીસ જવાન કરાયા તૈનાત- Video

| Edited By: | Updated on: Aug 04, 2023 | 6:44 PM

Ahmedabad: રોંગસાઈડ રાજુઓને રોકવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાણક્ય પુરી બ્રિજ નજીક આવેલા સર્વિસ રોડ પર ટાયર કિલર બમ્પ મુકવામાં આવ્યા છે, જો કે આ ટાયર કિલર બમ્પનો પણ જુગાડ વાહનચાલકોએ શોધી લેતા હવે અહીં હોમગાર્ડ જવાનને દેખરેખ રાખવા માટે તૈનાત કરાયો છે.

Ahmedabad: અમદાવાદમાં રોંગ સાઈડમાંથી આવનારા વાહનચાલકોની સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની છે અને લોકો બેરોકટોક રોંગ સાઈડમાંથી પસાર થતા જોવા મળે છે. ત્યારે હાલ પુરતો પ્રાયોગિક ધોરણે ચાણક્યપુરી બ્રિજ પાસે આવેલા સર્વિસ રોડ પર કોર્પોરેશન દ્વારા ટાયર કિલર બમ્પ મુકવામાં આવ્યો હતો અને એવો દાવો કરાઈ રહ્યો હતો કે આ બમ્પના કારણે રોંગમાંથી આવનારા લોકોના વાહનચાલકોના ટાયર ફાટી જશે.

જો કે આ કોર્પોરેશનનો આ કિમીયો બેઅસર રહ્યો છે અને લોકોએ ટાયર કિલર બમ્પનો પણ જુગાડ શોધી લીધો છે. બમ્પના બે જોડાણ વચ્ચે રહેલી જગ્યા થોડી વધારે હોવાથી લોકો પગેથી તેમા રહેલા ખીલાને નીચેની સાઈડ કરીને આસાનીથી પસાર થઈ જતા જોવા મળ્યા હતા.

રોંગ સાઈડ રાજુઓને રોકવા હોમગાર્ડ જવાનને કરાયો તૈનાત

ટ્રાફિક પોલીસ પાસે આ પ્રકારના રોંગસાઈડમાંથી જવાના વીડિયો જતા જ તેઓ હરકતમાં આવ્યા છે અને હવે અહીં દેખરેખ માટે એક ટ્રાફિકના હોમગાર્ડને તૈનાત કરી દેવાયા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે ટાયર કિલિંગ બમ્પ લગાવ્યા બાદ પણ જો માનવ શક્તિ જ વેડફવાની હોય તો આ પ્રકારનો દેખાડો શા માટે કરાય છે? રોંગ સાઈડમાંથી આવતા લોકોને રોકવા માટે હોમગાર્ડ તૈનાત કરવો પડે તો ટાયરકિલિંગ બમ્પ રાખવાની જરૂરત શું હતી?

રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનારા પર ટ્રાફિક વિભાગની બાજ નજર

આ તરફ વાહનચાલકોની પણ એવી દલીલ છે કે જ્યારે વરસાદી પાણી ભરાય ત્યારે આ ટાયર કિલર બમ્પ વધુ સમસ્યા સર્જી શકે છે. હાલ તો ટ્ર્રાફિક પોલીસ રોંગ સાઈડમાંથી આવતા વાહનચાલકોને કોઈ રીતે બક્ષવાના મૂડમાં જણાતી નથી આથી જ રોંગ સાઈડમાંથી આવનારા લોકોનું સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ છે અને આ લોકોના RTOમાંથી નંબર કઢાવી તેમને દંડ કરવાની પણ પોલીસ વિભાગે તૈયારી કરી લીધી છે.

આ પણ વાંચો : Ahmedabad: વિધાનસભામાં રજૂ થનાર કોમન યુનિવર્સિટી એક્ટનો વિરોધ, NSUI-કોંગ્રેસ દ્વારા સમગ્ર બીલનો વિરોધ, વિદ્યાર્થી પ્રતિનિધિની નાબૂદીથી ABVP ખફા

 રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનારા અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકી રહ્યા છે

આપને જણાવી દઈએ કે ઈસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર તથ્ય પટેલ દ્વારા જે કમકમાટીભર્યો અકસ્માત સર્જવામાં આવ્યો જેમા ઘટનાસ્થળે જ 9 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો. ત્યારબાદ ટ્રાફિક પોલીસ વિભાગ હરકતમાં આવ્યુ છે અને અકસ્માતો નિવારવા માટે રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનારા પર લગામ કસવામાં આવી રહી છે.  જો કે તંત્રના અનેક પ્રયાસો છતા કેટલાક લોકો દ્વારા ખુલ્લેઆમ ટ્રાફિક નિયમોનો ભંગ કરાઈ રહ્યો છે અને પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકી રહ્યા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.