રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University) કથિત પેપર ગુમ થવાના કાંડ બાદ હવે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. કથિત પેપર ગુમ થવાને લઇ શિક્ષણ વિભાગે ગુજરાત યુનિવર્સિટી પાસે રિપોર્ટ માગ્યો છે. યુનિવર્સિટી દ્વારા શિક્ષણ વિભાગને સમગ્ર ઘટનાનો રિપોર્ટ સોંપવામાં આવશે.
મહત્વનું છે, યુનિવર્સિટીના એસેસમેન્ટ સેન્ટરના બે સિક્યોરિટી ગાર્ડને હટાવી દેવામાં આવ્યા છે. એસેસમેન્ટ સેન્ટરના કોઓર્ડિનેટર સહિત બે કર્મચારીઓને જવાબદારીમાંથી મુક્ત કરી દેવાયા છે. આ કથિત પેપર કાંડ બાદ યુનિવર્સિટીનું તંત્ર સાબદું થયું છે અને પરીક્ષા માટે નવી SOP લાવવાની જાહેરાત કરી છે. જ્યાં CCTV હશે ત્યાં જ એસેસમેન્ટ સેન્ટર આપવામાં આવશે.
પેપર તપાસ થશે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. કોર્ડિનેટરને અમદાવાદ બહાર કોઇ જવાબદારી ના સ્વીકારવા સૂચના અપાશે. ઉલ્લેખનીય છે, યુનિવર્સિટીએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.
ગત રોજ ગુજરાત યુનિવર્સિટીમાં સંલગ્ન કોલેજોની BSC નર્સિંગના ફાઇનલ વર્ષ એટલે કે ચોથા વર્ષની પરીક્ષામાં આ કૌભાંડ થયું હોવાના આક્ષેપ લાગ્યા છે. NSUI અને કોંગ્રેસે યુનિવર્સિટી પર આક્ષેપ કર્યા છે, કે નર્સિંગના ચોથા વર્ષના ગણતરીના વિદ્યાર્થીઓને તેમની પરીક્ષાની ઉત્તરવહી રાત્રે મળી જાય છે, અને સવારમાં એ ઉતરવહી ભરીને પાછી આપી દેવામાં આવતી હોય છે.
આ પણ વાંચો : સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 5 દિવસ રાજ્યમાં વરસશે વરસાદ, જુઓ Video
જેમાં 14 વિદ્યાર્થીઓના ભાગ 1 અને 2 એમ 28 પેપર ગાયબ થયા છે. આ ઉત્તરવહી ગુજરાત યુનિવર્સિટીના બોટની ડિપાર્ટમેન્ટમાં મૂકવામાં આવે છે. જ્યાં CCTV કેમેરા પણ બંધ હતા. રાત્રે એ ઉત્તરવહી ગોઠવણ મુજબ કાઢીને પુનઃ લખાણ કરી પરત મૂકવામાં આવે છે તેવા આક્ષેપ લાગ્યા છે.
રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટીમાં આ પ્રકારનું કાંડ કલંક સમાન લાગી રહ્યું છે. ત્યારે ઘટનાની જાણ થતા તરત જ નવનિયુક્ત કુલપતિ નિરજા ગુપ્તાની સૂચનાથી પોલીસ ફરિયાદ કરાઈ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો