ગુજરાત કોંગ્રેસે રાજ્યમાં ઓનલાઈન ગેમ-જુગાર રમાડતી એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવાની રાજ્ય સરકાર સમક્ષ માગ કરી છે. કોંગ્રેસે અમદાવાદના નારોલ વિસ્તારમાં ઓનલાઈન ગેમિંગનો રાક્ષસ બાળી દેખાવો કર્યા અને સરકાર સમક્ષ માગ કરી છે કે જે પ્રકારે કોંગ્રેસ શાસિત કર્ણાટક, તમિલનાડુ અને છત્તીસગઢમાં ઓનલાઈન ગેમ અને ઓનલાઈન જુગાર રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે એવી રીતે ગુજરાત પણ સરકાર આવી એપ પર પ્રતિબંધ લાવી યુવાધનના ભવિષ્યને ગેરમાર્ગે જતા બચાવવાનુ કામ કરે.
કોંગ્રેસનું કહેવુ છે કે ઓનલાઈન ગેમની આડમાં રમાડવામાં આવતા તીનપત્તી પ્રકારના જુગારમાં અનેક યુવાનો દેવાના બોજ તળે દબાઈ રહ્યા છે અને દેવુ વધી જતા આત્મહત્યા કરી રહ્યા છે. હજુ બે દિવસ પહેલા જ રાજકોટના એક યુવાને આ જ પ્રકારે તીનપત્તી ગેમ રમવામાં એક લાખથી વધુનું દેવુ થઈ જતા વીડિયો બનાવી આત્મહત્યા કરવાનુ મન બનાવ્યુ હતુ.
સદ્દનસીબે યુવકે આત્મહત્યા કરી નથી અને હાલ સલામત છે, પરંતુ આ પ્રકારે આવા ઓનલાઈન જુગારના ચક્કરમાં અનેક યુવાનોનું ભવિષ્ય બર્બાદ થઈ રહ્યુ છે. આ વીડિયો જોયા બાદ અનેક લોકો એ વિચારતા થઈ ગયા છે કે રાજ્યનું યુવાધન કેવી રીતે ઓનલાઇન જુગાર અને ગેમિંગ એપ્લિકેશનના શિકાર બની રહ્યા છે. રાજ્યના અનેક યુવાનો આ પ્રકારની એપ્લિકેશન માં જુગાર અને ગેમ રમતા હોય છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે માગ કરી છે કે રાજ્યમાં ઓનલાઈન ગેમિંગ અને જુગાર રમાડતી એપ્લિકેશન પર પ્રતિબંધ લાવવામાં આવે. આ એપ્લિકેશનમાં પહેલા યુવકોને રૂપિયા જીતાડવામાં આવે છે અને ત્યારબાદ હજારો લાખોના દેવામાં ઉતારી દેવામાં આવે છે. યુવકો ડિપ્રેશનમાં આવી આત્મહત્યા કે અન્ય રવાડે ચડી જતા હોવાને કારણે યુવાનોનું ભવિષ્ય ના બગડે એ બાબતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે આવી ગેમ એપ્લિકેશન અને જુગાર રમાડતી એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવો જોઈએ.
આ પણ વાંચો : Ahmedabad: અમદાવાદના પોશ ગણાતા સિંધુ ભવન માર્ગ પર દોઢ-દોઢ ફુટ સુધી ભરાયા પાણી- જુઓ તસ્વીરો
1867 ના પબ્લિક ગેમિંગ એક્ટ મુજબ રાજ્યોને જુગાર ન રમવા માટે કાયદો બનાવવાની સત્તા છે. કર્ણાટક, છતીસગઢ અને તમિલનાડુની જેમ ઓનલાઈન ગેમ્બલિંગ પર ગુજરાતે પણ પ્રતિબંધ મુકવો જોઈએ એવી માગ કોંગ્રેસ પ્રવક્તાએ કરી. સાથે જ જણાવ્યું કે જો પોલીસ લોકોને ઘરમાં તીનપત્તી કે અન્ય જુગાર રમવા પર ધરપકડ કરીને મુદ્દામાલ જપ્ત કરતી હોય તો શા માટે ઓનલાઈન જુગાર રમાડતી એપ્લિકેશન સામે કાર્યવાહી થતી નથી. સરકારે તાકીદે પગલાં લઈ ઓનલાઇન ગેમિંગ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવો જોઈએ સાથે જ જે અભિનેતાઓ આવી એપ્લિકેશનને પ્રમોટ કરી રહ્યા છે એનો વિરોધ પણ કરવો જોઈએ.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:21 pm, Sun, 2 July 23