Breaking News : અમદાવાદમાં દરરોજ 50 લીટરથી વધુ તેલ વાપરતા એકમો માટે મનપાનો કડક નિર્ણય, TPC મશીન રાખવુ ફરજિયાત
વારંવાર એ જ તેલમાં તળેલી વસ્તુઓ વેચતા વેપારીઓ સામે હવે કડક કાર્યવાહી થશે. ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ પર મનપાની તીખી નજર રહેશે.
અમદાવાદ મનપા દ્વારા શહેરવાસીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે FSSAIની ગાઈડલાઈન મુજબ, દૈનિક 50 લીટરથી વધુ ખાદ્યતેલ વાપરતા મોટા ફૂડ એકમો માટે TPC (ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ) ચકાસવા માટેનું મશીન લગાવવું ફરજિયાત બનાવાયું છે. આ સાથે જ, તેલની ગુણવત્તા તપાસી શકાય તેવી જાણકારી આપતો બોર્ડ પણ ગ્રાહકોને સ્પષ્ટ દેખાય તેવી જગ્યાએ લગાવવા પડશે.
ગ્રાહક સીધી મનપામાં ફરિયાદ પણ નોંધાવી શકશે
મનપાએ શહેરમાં આવા 42 એકમોની ઓળખ કરી છે, જે દરરોજ 50 લીટરથી વધુ તેલનો ઉપયોગ કરે છે. નિયમ મુજબ, ગ્રાહકને શંકા થાય તો તે સ્થળ પર જ તેલની ગુણવત્તા ચકાસી શકે તેવી સુવિધા ઉપલબ્ધ રહેશે. જો ચકાસણી દરમિયાન તેલમાં ગેરરીતિ જણાય, તો ગ્રાહક સીધી મનપામાં ફરિયાદ પણ નોંધાવી શકશે.
25 ટકા કરતાં વધુ TPC માનવ સેવન માટે જોખમી
વારંવાર એક જ તેલને ઊંચા તાપમાને ગરમ કરવાથી તેમાં TPCનું પ્રમાણ વધે છે. જો TPC 25 ટકા કરતાં વધુ થઈ જાય, તો એવું તેલ માનવ સેવન માટે જોખમી ગણાય છે. આવા તેલના ઉપયોગથી હૃદયરોગ, લિવર સંબંધિત સમસ્યાઓ અને અન્ય આરોગ્ય જોખમો ઊભા થઈ શકે છે.
બળેલુ તેલ વારંવાર ન વાપરવા સૂચના
મનપાનો મુખ્ય હેતુ ગ્રાહકોને સુરક્ષિત અને ગુણવત્તાસભર ખોરાક મળે તે સુનિશ્ચિત કરવાનો છે. સાથે જ, વેપારીઓને પણ બળેલું અથવા વારંવાર વપરાયેલ તેલ ફરી ઉપયોગમાં ન લેવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. નાના એકમો પર પણ સમયાંતરે ચેકિંગ હાથ ધરવામાં આવશે.
આ પગલાં બાદ હવે ગ્રાહકો પોતે જ તેલની ગુણવત્તા સ્થળ પર ચકાસી શકશે, જેનાથી ખાદ્ય સુરક્ષા અને પારદર્શિતામાં વધારો થવાની અપેક્ષા છે.