Ahmedabad: ઓફલાઇન ભણાવતી બે શાળાના 4 વિદ્યાર્થીને કોરોના, DEOએ 27 ડિસેમ્બર સુધી ઓફલાઇન વર્ગો બંધ કરવા આપ્યા આદેશ
શાળાઓમાં વધતા કોરોનાના કેસ ઓફલાઇન શિક્ષણને ફરી પાટા પરથી નીચે લાવી શકે છે. વાલીઓ માટે પણ શાળાઓમાં વધતા કોરોના કેસ ચિંતાનો વિષય બની શકે છે.
કોરોના(Corona)ના નવા ઓમિક્રોન વેરિઅન્ટ(Omicron variant)ને લઇને વિશ્વભરમાં ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. વૈજ્ઞાનિકોના મતે ડેલ્ટા વેરિઅન્ટ કરતા બમણાથી પણ વધુ ગતિથી ઓમિક્રોન વેરિઅન્ટ ફેલાવાની શક્યતા છે. ત્યારે રાજ્યના મહાનગરોની શાળાઓમાં વિદ્યાર્થીઓ(Students)માં દેખાતા કોરોનાના કેસ શૈક્ષણિક તંત્ર, વાલીઓ સહિત વહીવટી તંત્રની પણ ચિંતા વધારી રહ્યુ છે. અમદાવાદ(Ahmedabad) શહેરની બે શાળાના 4 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ કોરોનાની તમામ ગાઇડલાઇનનું કડક પાલન કરવાની શાળાઓને સૂચના આપી છે.
માંડ શરુ થયેલુ ઓફલાઇન શિક્ષણ પરાણે પાટા પર આવીને ગતિ પકડવાની તૈયારી કરી રહ્યુ હતુ, ત્યારે હવે શાળાઓમાં વધતા કોરોનાના કેસ ઓફલાઇન શિક્ષણને ફરી પાટા પરથી નીચે લાવી શકે છે. વાલીઓ માટે પણ શાળાઓમાં વધતા કોરોના કેસ ચિંતાનો વિષય બની શકે છે.
અમદાવાદની બે શાળામાં કોરોનાના કેસ
અમદાવાદ શહેરની બે શાળાના 4 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. શહેરની ઉદ્દગમ સ્કૂલની ધો. 2ની વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવી છે. તો છારોડીની નિરમા વિદ્યાવિહારના ધો. 5, 9 અને 11ના 3 વિદ્યાર્થી સંક્રમિત થયા છે. મળેલી માહિતી અનુસાર આ બાળકોના વાલીને કોરોના આવ્યા બાદ બાળકો એક દિવસ સ્કૂલે આવ્યા હતા. પરંતુ આ બાબતે વાલીએ સ્કૂલને કોઈ જાણ કરી ન હતી. જેથી બાળકોમાં સંક્રમણ ફેલાયું હતુ.
DEOની કડક સૂચના
DEOને જાણ થતા તેમણે તાત્કાલિક 27 ડિસેમ્બર સુધી ઓફલાઈન વર્ગો બંધ કરવા સૂચના આપી હતી. સાથે જ ઓનલાઇન શિક્ષણ બંધ કરનારી શાળાઓ સામે કાર્યવાહી થશે. DEOએ સ્કૂલને અન્ય વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાવી લેવા સૂચના આપી છે. જોકે હાલ કોરોના સંક્રમિત ચારેય વિદ્યાર્થીઓની હાલત સ્થિર છે અને શાળાના બિલ્ડિંગને સેનિટાઈઝ કરવાની કામગીરી શરુ કરી છે. શાળા દ્વારા સંક્રમણ અટકાવવા અને અગમચેતીના ભાગરૂપે તમામ પગલા લેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Defamation Case : માનહાનિ કેસમાં બોલિવુડ ક્વીને ખખડાવ્યા સેશન્સ કોર્ટના દ્વાર, કંગનાએ કોર્ટ સમક્ષ કરી આ માગ