વધુ એક વાર સેલ્ફી (selfie)ના ચક્કરમાં એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટના દીવ (Diu)માં નાગવા બીચ (Nagoa Beach) પર બની છે. મિત્રો સાથે ફરવા નાગવા બીચ આવેલા 38 વર્ષીય પર્યટકનું ડૂબી જવાથી મોત થયુ છે. આંધ્ર પ્રદેશનો એક યુવક દુર્ગા પ્રસાદ વેંકટરાવ ગેરડી સૂત્રાપાડાની કંપનીમાં નોકરી કરતો હતો.
રજાઓના દિવસોમાં તે મિત્રો સાથે ફરવા માટે દીવ આવે છે. નાગવા બીચમાં તે મિત્રો સાથે દરિયામાં ન્હાવા ગયો હતો. જો કે આ સમયે સેલ્ફી લેવાની તેની ઘેલજાએ તેનો જીવ લઈ લીધો. આ યુવક સેલ્ફી લેતો હતો તે જ સમયે દરિયાના પ્રચંડ મોજાએ થપાટ મારી અને તે દરિયામાં ડૂબી ગયો હતો.
દીવમાં યુવક ડુબી જતાં તાત્કાલિક ધોરણે સ્થાનિક વોટર સ્પોર્ટ્સ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ. યુવકને દરિયામાંથી બહાર કાઢીને 108 દ્વારા દિવની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે હોસ્પિટલના ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પી.એમ કરાવવા અર્થે મોકલ્યો છે. તેમજ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ પણ સેલ્ફીના કારણે મોત થયાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આમ છતાં યુવાનો આવા જોખમી સ્થળોએ પણ સેલ્ફી લેવાના મોહ છોડતા નથી. જેનું પરિણામ તેમના મોત બાદ પરિવારે ભોગવવાનું આવે છે.
આ પણ વાંચો- ગુજરાતમાં ઓમિક્રોનનાના નવા સબ વેરિઅન્ટની એન્ટ્રી, ઓમિક્રોનના સબ વેરિઅન્ટના 41 કેસ નોંધાયા
આ પણ વાંચો- ચોમાસામાં અમદાવાદના રસ્તાઓ પર નહીં ભરાય પાણી, જાણો શું છે કારણ?