તહેવારોની રજાઓમાં ફરવા જવા માટે અજાણ્યા ટુર ઓપરેટરો પર વિશ્વાસ મુકતા પહેલા સો વાર વિચારવુ પડે એવી ઘટના સુરતમા સામે આવી છે. સુરત શહેરમાં લોકોને પ્રવાસ પર લઇ જવાના નામે 1200થી વધુ લોકો સાથે લાખોની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે.
આ પણ વાંચો : Breaking News : સુરત શહેરમાં રખડતા શ્વાનનો આંતક, 2 વર્ષીય બાળકીનુ સારવાર દરમિયાન મોત
ટ્રીપ જંગલ નામની એજન્સી ખોલી એક મહિલાએ તેના સાગરિતો સાથે મળી મોટી સંખ્યામાં લોકોને હરીદ્વાર, ઋષીકેશ, દિલ્હી, આગ્રા સહિતના સ્થળોની ટ્રીપ માટે વ્યક્તિદીઠ રૂપિયા 3000 ઉઘરાવ્યા હતા. અને કુલ રૂ.1.23 લાખ જેટલી રકમની ઠગાઇ આચરી હતી.
શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આ મહિલા અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી જેમાં ખટોદરા પોલીસ સ્ટેશનમા પણ ફરિયાદ નોંધાઈ હતી. ખટોદરા પોલીસે વોચ ગોઠવી મહિલાના સાગરિતને ઝડપી પાડ્યો હતો. અને તેની સઘન પૂછપરછ બાદ પોલીસે સમગ્ર કૌભાંડની સૂત્રધાર મહિલાની તેના ઘરેથી ધરપકડ કરી લીધી હતી.
હાલ જેલના સળિયા ગણી રહેલી મોટા વરાછાની આ મહિલાએ પોતાનું રેકેટ ચલાવવા માટે સુરતના અલગ અલગ વિસ્તારોમાં માણસો રાખ્યા હતા. અને તેમને 300 રૂપિયા કમિશન પેટે ચૂકવતી હતી. જો કે તેના જ એક માણસે સમગ્ર રેકેટનો ભાંડો ફોડી નાખતા છેવટે તે જેલને હવાલે થઇ છે.