Ahmedabad: ‘અલ કાયદા’ સંગઠન સાથે જોડાયેલા 4 શખ્સો સકંજામાં, ATSની મોટી કાર્યવાહી
ગુજરાત ATSએ અલકાયદા ઈન્ડિયાના સક્રિય જૂથનો પર્દાફાશ કર્યો છે. સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરવામાં આવી છે. અન્ય કેટલાક લોકો પણ ગુજરાત ATSની કસ્ટડીમાં છે. ભારતમાં ગેંગ કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા જ ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
અમદાવાદમાં આતંકી સંગઠન અલ કાયદા સાથે સંકળાયેલા મુખ્ય આરોપી મોહમ્મદ સોજીબના 30 મે સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. ATSની ટીમ દ્વારા મોહમ્મદ સોજીબને કોર્ટમાં રજૂ 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જે બાદ કોર્ટે સોજીબના 30મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુજરાત ATSએ રાજ્યમાં અલ કાયદાના આતંકી ષડયંત્રનો પર્દાફાશ કરી અમદાવાદના નારોલમાંથી 4 શખ્સોને ઝડપી પાડ્યા. ATSએ બાતમીના આધારે માસ્ટરમાઈન્ડ સોજીબ ઉપરાંત મુન્ના ખાન, આકાશ ખાન અને અબ્દુલ લતીફ એમ ચારેયને ઝડપી પાડ્યા છે.
વિદેશમાંથી ભંડોળ એકત્ર કરવાના મહત્વના પુરાવા હાથ લાગ્યા
ચારેય અમદાવાદમાં ખોટા આધાર કાર્ડ અને પાન કાર્ડ ધરાવી વસવાટ કરતા હતા. આરોપીઓ તેમના બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના ઈશારે મુસ્લિમ યુવકોનું બ્રેઈનવોશ કરી તેમને કટ્ટરપંથી બનાવતા હતા. સાથે જ અલ કાયદા સંગઠન માટે ભંડોળ પણ એકત્ર કરતા હતા. ATSની ટીમને તમામ પાસેથી વિદેશમાંથી ભંડોળ એકત્ર કરવાના મહત્વના પુરાવા હાથ લાગ્યા છે. પોલીસને તેમની પાસેથી અલ કાયદા સાથે સંકળાયેલુ સાહિત્ય તેમજ બાંગ્લાદેશી ચલણ પણ મળી આવ્યું. અલ કાયદા સંગઠન કોઇ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા જ તેમના નાપાક ઇરાદાઓ ખુલ્લા પડ્યા છે.
ગુજરાત ATSના DIG દિપેન ભદ્રને માહિતી આપતા જણાવ્યું કે મોહમ્મદ સોજીબ મ્યુમેનસિંહ જિલ્લાના ખુદરો ગામનો રહેવાસી છે. સોજીબ અલ કાયદાની વિચારધારાથી પ્રેરિત થઇને વર્ષ 2016માં આતંકી સંગઠન સાથે જોડાયો. સોજીબ તેના બાંગ્લાદેશી હેન્ડર શરીફૂલ ઇસ્લામ સાથે સંપર્કમાં હતો. શરીફૂલે સોજીબનો પરિચય મ્યુમેનસિંહ જિલ્લાના અલ કાયદાના પ્રમુખ સાહેબા સાથે કરાવ્યો હતો.
આ પણ વાંચો : રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય, 1 લી જૂનથી શરૂ થશે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી
સાહેબાએ જ સોજીબ તેમજ અન્ય આરોપીઓને ભારતમાં જઇને યુવાનોની ભરતી કરવા તેમજ ભંડોળ એકત્ર કરવા સહિતની કામગીરી સોંપી. ચારેય આરોપીઓ યુપી અને મહારાષ્ટ્રના લોકોના સંપર્કમાં હતા. આરોપી સોજીબે ભારતમાં આવ્યા બાદ ચાર જેટલા મુસ્લિમ યુવાનોને અલ કાયદા સાથે જોડવાનું કાવતરું કર્યું હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. આરોપીઓએ બે વખત બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદે ઘુસણખોરી કરી હોવાનું પણ સામે આવ્યું છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો