Surat : ગટર સફાઇ દરમિયાન ગુંગળામણથી બે સફાઇ કર્મીઓના મોત, SVNIT રોડ પર બની ઘટના

|

Oct 18, 2022 | 1:10 PM

સુરત (Surat) શહેરમાં SVNIT રોડ પર આવેલી ગટરમાં બે કામદાર સાફ સફાઇ કરી રહ્યા હતા. જે પછી પ્રથમ સફાઇ કામદાર સફાઇ કામ દરમિયાન ગટરમાં ગુંગળામણના કારણે બેભાન થઇ ગયો હતો.

સુરત (Surat) શહેરમાં અવારનવાર ગટરની સફાઇ દરમિયાન ગુંગળામણથી સફાઇકર્મીના મોત થયાની અનેક ઘટના બની છે. ત્યારે સુરત શહેરમાં વધુ એક આવી ઘટના બની છે. સુરત શહેરના SVNIT રોડ વિસ્તારમાં ગટર સફાઇ દરમિયાન ગુંગળામણના કારણે બે સફાઇ કર્મચારીઓ (cleaning staff) બેભાન થઇને નીચે પટકાયા હતા. જે પછી ગટરમાંથી બંને સફાઇકર્મીઓને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાયા હતા. જો કે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે જાણ થતા મેયર હેમાલી બોઘાવાલા (Hemali Boghavala) નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે.

સુરત શહેરમાં SVNIT રોડ પર આવેલી ગટરમાં બે કામદાર સાફ સફાઇ કરી રહ્યા હતા. જે પછી પ્રથમ સફાઇ કામદાર સફાઇ કામ દરમિયાન ગટરમાં ગુંગળામણના કારણે બેભાન થઇ ગયો હતો. જે પછી તે ગટરમાં નીચે પછડાયો હતો. જે પછી બીજા સફાઇ કર્મી દ્વારા તેને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે પછી બીજો સફાઇ કર્મી પણ ગટરમાં પડતા બંને સફાઇ કામદાર બેભાન અવસ્થામાં હતા. જે પછી આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. બંને સફાઇ કર્મીઓને તાત્કાલિક ગટરમાંથી બહાર કાઢીને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બંને સફાઇકર્મચારીઓને હોસ્પિટલમાં ખસેડતા ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

સમગ્ર ઘટનાની જાણ થતા સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલી બોઘાવાલા તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ પહોચ્યા હતા. જો કે સમગ્ર ઘટનાને લઇને તંત્ર પર અનેક સવાલો ઊભા થયા છે. કારણકે વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આવી ઘટના પાછળ જવાબદાર કોણ તેવો સવાલ ઊભો થાય છે. સફાઇ કર્મચારીઓને સુરક્ષાના સાધનો આપ્યા સિવાય જ ગટરમાં ઉતારવામાં આવે છે. જેના કારણે આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.

(વિથ ઇનપુટ-બળદેવ સુથાર,સુરત)

Next Video