ગુજરાતમાં આજથી સાગર પરિક્રમા યાત્રાનો પ્રારંભ, દરિયાકાંઠાના માછીમારોની સમસ્યા જાણવા સરકાર પ્રયાસ કરશે

|

Mar 05, 2022 | 9:59 AM

આપણા સમુદ્રો પ્રત્યે કૃતજ્ઞતાનાં ચિહ્ન તરીકે આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ, ખલાસીઓ અને માછીમારોને વંદન કરવા 75મા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે “સાગર પરિક્રમા” કાર્યક્રમનું આયોજન કરાયું છે.

75મા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજથી સાગર પરિક્રમા યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેનો પ્રારંભ કચ્છ (Kutch) ના માંડવીથી કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી (Union Fisheries Minister) પરશોત્તમ રૂપાલા કરશે. 5મી માર્ચ એટલે કે આજથી માંડવીથી સાગર પરિક્રમાનો પ્રારંભ થશે અને છઠ્ઠી માર્ચ 2022ના રોજ પોરબંદર ખાતે સમાપ્ત થશે. જો કે ત્યાર બાદ 9 દરિયાઈ રાજ્યો (states) અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશો (Union Territories) માં પણ આજ પ્રકારે આ કાર્યક્રમ આયોજીત કરાશે. દરિયાકાંઠાના માછીમારોની સમસ્યા જાણવા સરકાર પ્રયાસ કરશે.

આપણા સમુદ્રો પ્રત્યે કૃતજ્ઞતાનાં ચિહ્ન તરીકે આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ, ખલાસીઓ અને માછીમારોને વંદન કરવા 75મા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે “સાગર પરિક્રમા” કાર્યક્રમનું આયોજન કરાયું છે. ‘સાગર પરિક્રમા’નું પ્રથમ ચરણ ગુજરાતથી 5મી માર્ચ 2022થી 2 દિવસ માટે યોજાશે. ગુજરાતના આ પ્રથમ તબક્કા બાદ સાગર પરિક્રમા કાર્યક્રમ દીવ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓથી નીચે પૂર્વ-નિર્ધારિત દરિયાઈ માર્ગ દ્વારા તમામ દરિયાકાંઠાનાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉજવાશે. આ યાત્રામાં રાજ્યના અધિકારીઓ અને સમગ્ર દેશમાંથી વૈજ્ઞાનિકો જોડાશે.

દરિયાકાંઠાના માછીમાર લોકોની સમસ્યાઓ જાણવા મળે એ માટે 75મા “આઝાદી કા અમૃત મહોત્સવ”ના ભાગ રૂપે આ સ્થળો અને જિલ્લાઓમાં માછીમારો, માછીમાર સમુદાયો અને હિતધારકો સાથે વાર્તાલાપ કાર્યક્રમ યોજાશે. આઝાદીનાં 75 વર્ષ અને તેના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસની ઉજવણી અને સ્મૃતિમાં ભારત સરકારની આ એક મહત્વપૂર્ણ પહેલ છે. આત્મનિર્ભર ભારતની ભાવના તરીકે તમામ માછીમાર લોકો, માછીમારો અને સંબંધિત હિતધારકો સાથે એકતા દર્શાવતા દરિયાકાંઠાના પટ્ટામાં સમુદ્રમાં એક ઉત્ક્રાંતિ વિષયક પ્રવાસની કલ્પના કરવામાં આવી છે.

“સાગર પરિક્રમા”ની યાત્રા ગુજરાત રાજ્યથી શરૂ થશે. ગુજરાતમાં દરિયાઇ આધારિત ઇકોસિસ્ટમ અને વિકાસની તકોની વિશાળ વિવિધતા ધરાવતા દરિયાકાંઠાના 16 જિલ્લાઓને આવરી લેતો 1214 કિમીની લંબાઇનો દરિયાકાંઠો છે. માછીમાર લોકો, વિક્રેતાઓ અને ઉદ્યોગોનો મત્સ્ય ઉદ્યોગના વિકાસમાં આર્થિક મૂલ્ય, ખાસ કરીને નિકાસમાં સીધો હિસ્સો છે. ત્યારે તેમના પ્રશ્ર્નો જાણવા અને સન્માન માટે આ કાર્યક્રમ આયોજીત થઇ રહ્યો છે.

આ પણ વાંચો-

Mandi: ભાવનગર APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 2750 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો-

Vadodara: યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વ્હારે આવ્યો BAPSનો સ્વયંસેવક જીલ પટેલ, આ રીતે કરી રહ્યો છે વિદ્યાર્થીઓની મદદ

Next Video