અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયુ 102મું અંગદાન, ગાંધીનગરના મૃગેશ શર્મા બ્રેઈનડેડ થતા પરિવારે લીધો નિર્ણય

| Edited By: | Updated on: Feb 12, 2023 | 8:23 PM

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગાંધીનગરના મૃગેશ શર્મા માથાના ભાગે ગંભીર ઈજા થતા બ્રેઈનડેડ જાહેર થતા પરિવારે અંગદાનનો નિર્ણય લીધો છે. જેમા હ્રદય, ફેફસા, બે કિડની અને લીવરનું દાન મળ્યુ છે. પતિ બ્રેઈન ડેડ થયાની જાણ થતા પત્નીએ કહ્યુ અંગદાન કરવું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઐતિહાસિક 102મું અંગદાન થયું. ગાંધીનગરમાં રહેતા મૃગેશભાઇ શર્માને અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા થતા તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સઘન સારવાર અને અથાગ પ્રયાસો બાદ તબીબોએ મૃગેશભાઇને બ્રેઇનડેડ જાહેર કર્યા. મૃગેશભાઇ બ્રેઇનડેડ જાહેર થતા પરિવારે અંગદાનનો આવકારદાયક નિર્ણય લીધો. 39 વર્ષના મૃગેશભાઇના હ્રદય, ફેફસા, બે કિડની અને લીવરનું દાન કરવામાં આવ્યું.

સિવિલમાં થયુ 102મું અંગદાન, હ્રદય, ફેફસા, બે કિડની અને લીવરનું મળ્યુ દાન

જેમાં હ્રદયને દિલ્લીની એઇમ્સ હોસ્પિટલમાં, ફેફસાને મુંબઇની રીલાયન્સ હોસ્પિટલમાં, લીવરને અમદાવાદની ઝાયડસ અને કિડનીને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે એક અંગદાનથી 5 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

સમાજમાં અંગદાનની જાગૃકતામાં વધારો

સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી 102 અંગદાન થયા છે. પરંતુ બ્રેઇનડેડ મૃગેશભાઇ શર્માના પત્નીએ અંગદાન માટે આપેલી સંમતિ ઐતિહાસિક છે. સામાન્યપણે તબીબો દ્વારા પરિવારજનોને અંગદાન માટે સમજાવવામાં આવે ત્યારે સંમતિ માટે સમય લાગતો હોય છે. પરંતુ અંગદાનની જાગૃકતા અને અન્ય વ્યક્તિઓને મદદરૂપ થવાની ભાવનાના પરિણામે અંગદાન માટેની જાણ થતા બીજી જ સેકન્ડે નેહલબેને અંગદાનનો નિર્ણય કર્યો.

આ પણ વાંચો: Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું 101મું અંગદાન, રાજસ્થાનના દર્દીએ ગુજરાતના 4 જરૂરતમંદોને આપ્યું નવજીવન

વધુમાં તેમણે એમ પણ કહ્યું કે, મૃગેશભાઇનો દેહ મળવામાં સમય લાગશે તો ચાલશે પરંતુ તેમના શરીરના તમામ અંગોનું દાન મેળવીને અન્ય જરૂરિયાતમંદને મદદરૂપ બની શકાય તેવા તમામ પ્રયત્નો કરશો. અંગદાન કરીને અન્યોને મદદરૂપ થવા માટે નેહલબેનની આ લાગણી સમાજના અનેક લોકોને અંગદાન માટેની પ્રેરણા આપે છે.