મુંબઈમાં મોસમનો બદલાયો મિજાજ, આંધી સાથે એકાએક વાતાવરણમાં આવ્યો પલટો, અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ -જુઓ Video

|

May 13, 2024 | 6:32 PM

Mumbai Weather : મુંબઈમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પહેલા સીઝનના પ્રથમ વરસાદની શરૂઆત થઈ છે. બપોર બાદ મુંબઈના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને ધૂળની ડમરીના ગોટેગોટા આકાશ તરફ જતા જોવા મળ્યા. થોડા સમયના તોફાની પવન અને આંધી બાદ વરસાદની શરૂઆત થઈ હતી અને ભારે બફારા વચ્ચે લોકોને ઠંડકની અનુભૂતિ થઈ.

મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન વચ્ચે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મુંબઈમાં ધૂળિયા પવનો સાથે વરસાદે દસ્તક દીધી હતી. ત્યારબાદ ભીષણ ગરમી વચ્ચે લોકોને રાહત મળી. વર્ષ 2024માં મુંબઈમાં આ પ્રથમવાર વરસાદ પડ્યો. જેને સિઝનનો પ્રથમ વરસાદ માનવામાં આવી રહ્યો છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણી ગરમી પડી રહી છે. તાપમાન પણ 35 ડિગ્રીની નજીક પહોંચી ગયું હતું. મુંબઈમાં લોકસભા ચૂંટણી માટે 20 મેના રોજ મતદાન થશે. વરસાદના આગમનથી આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. વાવાઝોડાની અસર મધ્ય મુંબઈના બદલાપુર, ભિવંડી, કલ્યાણ અને થાણેમાં જોવા મળી હતી.

35 ડિગ્રી તાપમાન વચ્ચે મુંબઈકરોને ગરમીમાંથી મળી થોડી રાહત

હવામાન વિભાગે મુંબઈના કેટલાક ભાગોમાં યલો એલર્ટ જારી કર્યું હતું. ભારે વરસાદ, તોફાન અને સૂકા પવનની આગાહી કરી હતી. હવામાન વિભાગે ખાસ કરીને થાણે અને રાયગઢમાં યલો એલર્ટ આપ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈમાં 14 મે 2024 એટલે કે મંગળવાર સુધી આ સ્થિતિ યથાવત રહી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ મુંબઈમાં સાંજે 4 વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો.

 

આંધી આવ્યા બાદ અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ

પહેલા ધૂળની ડમરી સાથે આંધીનો સામનો કરવો પડ્યો.આ પછી વરસાદ પડ્યો હતો. વરસાદ પહેલા મુંબઈમાં મહત્તમ તાપમાન 33 થી 34 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હતું. મુંબઈના અંધેરી, ભીવંડી , વડાલા , ઘાટકોપર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. વડાલામાં તોફાની પવનમાં મોટુ હોર્ડિંગ પડવાનો વીડિયો પણ સામે આવ્યો છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની અસર ગુજરાત સુધીજોવા મળી છે. ગુજરાતમાં બપોર બાદ અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો: આને કહેવાય લાખના 12 હજાર કરવા, છોટાઉદેપુરમાં ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ- Video

 

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:18 pm, Mon, 13 May 24

Next Video