Breaking News : વોટ્સએપ સહિતના તમામ મેસેજિંગ એપ્સ માટે સિમ ફરજિયાત, 1 માર્ચથી લાગુ થશે નવો નિયમ

1 માર્ચથી સિમ કાર્ડ વગર WhatsApp, Telegram કે Signal જેવી મેસેજિંગ એપ્સ ચલાવી શકાશે નહીં. સરકારએ સ્પષ્ટ કર્યું છે કે આ નિયમમાં કોઈ રાહત આપવામાં નહીં આવે. હવે આ એપ્સ વાપરવા માટે સંબંધિત નંબરનું સિમ ફોનમાં હોવું ફરજિયાત રહેશે.

Breaking News : વોટ્સએપ સહિતના તમામ મેસેજિંગ એપ્સ માટે સિમ ફરજિયાત, 1 માર્ચથી લાગુ થશે નવો નિયમ
SIM Binding India
| Updated on: Feb 27, 2026 | 10:32 AM

1 માર્ચથી દેશભરમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનના ઉપયોગને લઈને મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. Department of Telecommunications (DoT)ના આદેશ મુજબ હવે સિમ-બાઇન્ડિંગ ફરજિયાત બનાવવામાં આવશે. એટલે કે, 1 માર્ચ બાદ યુઝર્સ સિમ કાર્ડ વગર WhatsApp, Telegram અને Signal જેવી એપ્સનો ઉપયોગ કરી શકશે નહીં. કેન્દ્ર સરકારે આ મુદ્દે કોઈપણ પ્રકારની છૂટછાટ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

હાલમાં ઘણા લોકો પોતાના ફોનમાં સિમ ન હોવા છતાં, તે નંબર સાથે જોડાયેલું એકાઉન્ટ અન્ય ડિવાઇસ અથવા Wi-Fi મારફતે ચલાવે છે. ખાસ કરીને Telegram અને Signalમાં આ પ્રકારનો ઉપયોગ વધુ જોવા મળે છે. પરંતુ હવે સિમ-બાઇન્ડિંગ લાગુ થયા બાદ, જે નંબરથી એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે તે નંબરનું સિમ કાર્ડ તે જ ફોનમાં હોવું જરૂરી રહેશે. જો સિમ કાઢી નાખવામાં આવશે, તો એપ આપમેળે લોગઆઉટ થઈ જશે.

રિપોર્ટ અનુસાર, WhatsAppએ પોતાના બીટા વર્ઝન 2.26.8.6માં સિમ-બાઇન્ડિંગ સાથે જોડાયેલું પોપ-અપ દર્શાવવાનું શરૂ કર્યું છે. આ પોપ-અપમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ભારત સરકારના આદેશને અનુસરીને, એકાઉન્ટ ઍક્સેસ કરવા માટે સંબંધિત નંબરનું સિમ ફોનમાં હોવું આવશ્યક છે. આ માહિતી જાણીતા ટેક પ્લેટફોર્મ WA Beta Info દ્વારા પણ શેર કરવામાં આવી છે.

નવી વ્યવસ્થા મુજબ, જે યુઝર્સ કમ્પ્યુટર અથવા લૅપટોપ પર Linked Device તરીકે WhatsApp ચલાવે છે, તેમનું સેશન દર 6 કલાકે આપમેળે લોગઆઉટ થઈ જશે. કમ્પ્યુટર પર ફરીથી WhatsApp વાપરવા માટે યુઝરને મુખ્ય મોબાઇલ એપ મારફતે ફરી લિંક કરવું પડશે. આ પગલું સુરક્ષા વધારવા અને અનધિકૃત ઍક્સેસ અટકાવવા માટે લેવામાં આવી રહ્યું છે.

ગયા વર્ષે DoTએ તમામ મેસેજિંગ પ્લેટફોર્મને સિમ-બાઇન્ડિંગ ફીચર અમલમાં મૂકવા સૂચના આપી હતી. સિમ-બાઇન્ડિંગનો અર્થ એ છે કે જે નંબરથી એકાઉન્ટ ચલાવવામાં આવે છે, તે નંબરનું સિમ કાર્ડ ફોનમાં સક્રિય હોવું જોઈએ. આ નિયમનો મુખ્ય હેતુ સાયબર ફ્રોડ, ફેક એકાઉન્ટ અને ઑનલાઇન ઠગાઈના બનાવોમાં ઘટાડો લાવવાનો છે.

જો કે, આ નિર્ણયથી ઘણા યુઝર્સને પ્રારંભિક અસુવિધાનો સામનો કરવો પડી શકે છે, ખાસ કરીને તેઓને જેઓ સિમ વગર Wi-Fi આધારિત ઉપયોગ કરતા હતા. છતાં, સરકારનો દાવો છે કે આ પગલું લોકોની સુરક્ષા અને ડિજિટલ વિશ્વાસ વધારવા માટે જરૂરી છે. 1 માર્ચથી આ નિયમ WhatsApp, Telegram અને Signal સહિત તમામ મુખ્ય મેસેજિંગ એપ્સ પર લાગુ પડશે.

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.