ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે અમદાવાદ,વલસાડ સહિત સુરતમાંથી આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. સુરતના વેસુમાં જૈનમ ગ્રાન્ડ અલ્ટી બિલ્ડિંગના નવમા માળે આવેલા ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી.ફાયર વિભાગની 10થી વધુ ટીમોના આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે. દસમા, અગિયારમાં માળે હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પણ આગના બનાવ સામે આવ્યા હતા.પાંડેસરાના ડુંડી ગામના ઓપન પ્લોટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી.ડભોલી ગામના તુલસી ચોક પાસે આવેલી વિઆના કિડ્સ સ્ટોરમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી.
ટેરેસ પર ફસાયેલા અન્ય 7 લોકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, હજુ ફ્લેટમાં આગ લાગવાનું કારણ અકબંધ છે અને કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાતા આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. વલસાડ શહેરના અબ્રામા પ્રભા પાર્ક વિસ્તારમાં ટ્રાન્સફોર્મરમાં ભીષણ આગ લાગી હતી.
DGVCL તથા ફાયરવિભાગ ઘટના સ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરી હતી. વીજ કંપની દ્રારા પાવર સપ્લાય બંધ કરતા ફાયરની ટિમ દ્રારા આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો.
તો આ તરફ અમદાવાદ શહેરમાં એક બંધ મકાનમાં આગ લાગી હતી.કાળઝાળ ગરમીના કારણે વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાની ઘટનાઓ વધી રહી છે.