Mythology : રામાયણના બધા જ પાત્રો પોતાનું એક અલગ મહત્વ ધરાવે છે. તેવી જ રીતે મંદોદરીએ પણ રામાયણમાં એક મહત્વની ભૂમિકા ભજવી હતી. રાવણની પત્ની મંદોદરી વિશે જે કથા પ્રચલીત છે, તે મૂજબ મંદોદરી એક સકારાત્મક વિચાર ધરાવતી સ્ત્રી હતી. પરંતુ મંદોદરીના પાત્ર વિશે બહુ ચર્ચા કરવામાં આવી નથી. આજે તમને મંદોદરીના જન્મથી લઈને રાવણની પત્ની બનવા સુધીની રોચક કથા જણાવીશું.
પુરાણોમાં એક ખૂબ જ રોચક કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે મુજબ મધુરા નામની એક અપ્સરા હતી. મધુરા એક સમયે કૈલાસ પર્વત પર પહોંચી હતી, તે સમયે માતા પાર્વતી ત્યા હાજર ના હતા. પાર્વતી માતાની અનઉપસ્થિતિમાં મધુરાએ ભગવાન શિવને આકર્ષવાનો પ્રયત્ન શરૂ કર્યો. થોડા સમય બાદ માતા પાર્વતી કૈલાશ પર પહોચ્યા અને તેઓએ મધુરા દ્વારા કરવામાં આવેલ કૃત્ય જોઈ ખૂબ જ ક્રોધિત થયા. માતા પાર્વતીએ ક્રોધમાં જ મધુરાને શ્રાપ આપ્યો કે, તે દેડકીનો જન્મ લેશે અને બાર વર્ષ સુધી તે દેડકીના રૂપમાં એક કૂવામાં જ રહેશે. દેડકીના જન્મમાં કઠોર તપશ્ચર્યા કરશે ત્યારબાદ જ તે ફરીથી તેના વાસ્તવિક રૂપમાં આવશે.
મધુરાએ દેડકીના રૂપમાં ભગવાનની કઠોર તપસ્યા કરવાનું શરૂ કર્યું. સમય જતા એક દિવસ કશ્યપ ઋષિ તથા અદિતિના પુત્ર મયાસુરા અને તેની પત્ની હેમા પુત્રી પ્રાપ્તિની ઇચ્છાથી તપસ્યા કરવા ગયા હતા. મયાસુરાની પત્ની હેમા એક અપ્સરા હતી. તે સમયે મધુરાની તપશ્ચર્યા પૂર્ણ થઈ અને તે પોતાના વાસ્તવિક અપ્સરાના રૂપમાં આવી.
અપ્સરાના રૂપમાં આવ્યા બાદ મધુરા જે કૂવામાં હતી, ત્યાંથી મદદ માટે તે બૂમ પાડવા લાગી. મયાસુરા અને હેમાએ આ અવાજ સાંભળીને મધુરાની સહાય કરવા પહોંચ્યા. બંનેએ તેને બહાર કાઢી અને મધુરાને તેમની પુત્રી તરીકે સ્વીકાર્યો. મયાસુરા અને હેમાએ આ પુત્રીનું નામ મંદોદરી રાખ્યું હતું. સમય જતા મંદોદરી લગ્ન માટે લાયક થતા માતા-પિતાએ, ઋષિ વિશ્વશ્રવા અને કૈકસીના પુત્ર રાવણ સાથે લગ્ન કરાવ્યા.