Bhakti: શું તમે જાણો છો અમરનાથ ગુફાની કબૂતર જોડીનું રહસ્ય શું છે ? વાંચો રોચક કથામાં

|

Jul 19, 2021 | 9:50 AM

કોઇપણ ત્રીજું પ્રાણી એટલે કે વ્યક્તિ, પશુ, પક્ષી ગુફાની અંદર પ્રવેશીને કથાને ન સાંભળી શકે એ માટે ભગવાન શિવે ચારેબાજુ અગ્નિ પ્રજ્વલિત કરી. અને પછી મહાદેવે જીવનના એ ગૂઢ રહસ્યની કથા સંભળાવવાની શરૂઆત કરી.

Bhakti: મહાદેવને તો સહસ્ત્ર નામોથી પૂજવામાં આવે છે. સમગ્ર ભારતમાં શિવજીના અનેકવિધ પાવનકારી સ્થાનકો આવેલાં છે. જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલું અમરનાથ ( Amrnath ) ધામ પણ તેમાંથી જ એક છે. માન્યતા એવી છે કે અમરનાથ ( Amrnath ) ગુફામાં તો શિવજી સાક્ષાત સ્વરૂપે બિરાજમાન થયા છે. પાવન ગુફામાં બરફથી શિવલિંગની રચના થાય છે.

જેના દર્શન કરી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે. પણ, અહીં જેટલો મહિમા હિમશિવલિંગના દર્શનનો છે, તેટલો જ મહિમા તો અહીં નિવાસ કરતા બે સફેદ કબૂતરોની કથા જાણવાનો પણ છે. ત્યારે આવો, આજે એ જાણીએ કે અમરનાથની ગુફામાં રહેતી કબૂતર જોડીનું રહસ્ય શું છે ? અને આખરે, આ ગુફામાં શિવજીને શા માટે પધારવું પડ્યું ?

કહે છે કે એકવાર માતા પાર્વતીએ મહાદેવને પ્રશ્ન પૂછ્યો કે એવું તો શું છે કે જેને લીધે તમે અજર છો. અમર છો ! તમારા અમર થવાનું રહસ્ય શું છે ?પહેલાં તો શિવજીએ માતા પાર્વતીના આ સવાલનો જવાબ આપવાનું ટાળ્યું. પરંતુ, માતા પાર્વતીની હઠના કારણે શિવજીએ અમરતાના આ ગૂઢ રહસ્યને જણાવવાનો નિર્ણય લીધો. અલબત્, આ રહસ્યને જણાવવા માટે શિવજીને અત્યંત એકાંત જગ્યાની જરૂર હતી.

આવી જગ્યાની શોધમાં તે માતા પાર્વતીને લઈને આગળ નીકળી ગયા. ગુપ્ત જગ્યાને શોધતા શિવજીએ પહેલા તેમની સવારી નંદીને છોડી દીધાં. નંદીને જે જગ્યા પર છોડ્યા તે સ્થાન પહેલગાંવ કહેવાય છે. અને અમરનાથ યાત્રા પહેલગાંવથી જ શરૂ થાય છે

પહેલગાંવથી થોડા આગળ ગયા પછી શિવજીએ તેમની જટામાં રહેલ ચંદ્રને અલગ કરી દીધા. આ સ્થાન ચંદનવાડી તરીકે પ્રસિદ્ધ થયું. ત્યારબાદ ગંગાજીને પંચતરણીમાં અને કંઠાભૂષણ સર્પને શિવજીએ શેષનાગ ઉપર છોડી દીધા. અમરનાથ યાત્રામાં પહેલગાવ પછી પહેલો પડાવ ગણેશટોપ છે. માન્યતા છે કે શિવજીએ આ સ્થાન પર પુત્ર ગણેશને છોડ્યા હતા. જીવનદાયિની પાંચેય તત્વોને પાછળ છોડ્યા પછી ભગવાન શિવે માતા પાર્વતી સાથે એ ગુફામાં પ્રવેશ કર્યો, કે જે આજે અમરનાથના નામે પ્રસિદ્ધ છે.

કોઇપણ ત્રીજું પ્રાણી એટલે કે વ્યક્તિ, પશુ, પક્ષી ગુફાની અંદર પ્રવેશીને કથાને ન સાંભળી શકે એ માટે ભગવાન શિવે ચારેબાજુ અગ્નિ પ્રજ્વલિત કરી. અને પછી મહાદેવે જીવનના એ ગૂઢ રહસ્યની કથા સંભળાવવાની શરૂઆત કરી.

એક એવી માન્યતા છે કે કથા સાંભળતા સાંભળતા દેવી પાર્વતીને ઊંઘ આવી ગઇ અને તે સૂઇ ગયા. મહાદેવને આ વાતની ખબર જ ન પડી અને એ તો કથા કહેતા જ ગયા. એ સમયે આ કથા બે સફેદ કબૂતર સાંભળી રહ્યા હતા. અને કથામાં વચ્ચે વચ્ચે હોંકારો પણ આપતા હતા. જેથી મહાદેવને લાગ્યું કે માતા પાર્વતી તેમની કથા સાંભળી રહ્યા છે. હોંકારા સાથે બંને કબૂતર કથા સાંભળતા રહ્યા.

કથા સમાપ્ત થઇ અને શિવજીનું ધ્યાન માતા પાર્વતી પર પડ્યું. તેમને ખ્યાલ આવ્યો કે પાર્વતી તો સૂઈ ગયા છે. માતા પાર્વતીએ કથા નથી સાંભળી તો પછી અમરતાની કથા સાંભળી કોણે ? ત્યારે મહાદેવની નજર બે સફેદ કબૂતરો પર પડી અને તેમને જોઇને મહાદેવને તેમની પર ક્રોધ આવ્યો.

કહે છે કે મહાદેવના ક્રોધને પામી કબૂતર જોડી તેમની શરણમાં આવી. અને કહ્યું, કે હે ભગવાન અમે તમારી અમરકથા સાંભળી છે. અને જો તમે અમને મારી નાંખશો તો આ કથા જૂઠ્ઠી સાબિત થશે. એટલે હવે અમને કોઈ પદ પ્રદાન કરો. આ સાંભળીને મહાદેવે તેમને વરદાન આપ્યું કે તમે બંને હવે શિવ અને પાર્વતીના પ્રતિક સમાન બનીને આ જ સ્થાન પર નિવાસ કરશો. એટલે કે કબૂતરોનું આ જોડું અમર થઈ ગયું. અને ગુફા અમરકથાની સાક્ષી બની હોઈ, તેનું નામ પડ્યું અમરનાથ !

પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

 

આ કથા પણ વાંચો : શું તમને ખબર છે કેમ કહેવામાં આવે છે ભગવાન શિવને મહાકાલ ? વાંચો આ રોચક કથા

Published On - 8:47 am, Mon, 19 July 21

Next Video