અનંત અંબાણીએ તિરુપતિ બાલાજીના ચરણોમાં ઝુકાવ્યુ શિશ, મંદિર પરંપરાને અનુસરતા મુંડન કરાવી કર્યુ કેશ દાન
અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી તેમની સેવાકીય પ્રવૃતિઓ અને ધાર્મિક આસ્થા માટે જાણીતા છે. આજ આસ્થાને અનુસરતા અનંત અંબાણીએ તિરુપતિ બાલાજીના ચરણે પહોંચ્યા અને તેમણે પરંપરા અનુસાર મુંડન કરાવી કેશદાન કર્યુ સાથે જ મંદિર ટ્રસ્ટ ને 27.5 કરોડ રૂપિયાની ભેટ આપી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી આંધ્ર પ્રદેશમાં સ્થિત પ્રસિદ્ધ તિર્થધામ તિરુપતિ બાલાજીના દર્શને પહોંચ્યા હતા. અહીં તેઓ શ્રીવેંકટેશ્વર સ્વામીને નતમસ્તક થયા. અને દર્શન બાદ અહીંની પરંપરા મુજબ તેમણે માથે મુંડન પણ કરાવ્યું. અનંત અંબાણીએ અહીં સુપ્રભાત સેવામાં પણ ભાગ લીધો. મંદિરમાં ઉપસ્થિત વિદ્વાનોએ તેમને આશીર્વાદ આપ્યા અને શ્રીવારી તીર્થ પ્રસાદ તેમજ રેશમી વસ્ત્રની ભેટ આપી.
તિરુપતિ બાલાજી ધામમાં “કેશ દાન”નો વિશેષ મહિમા છે. પ્રચલિત માન્યતા અનુસાર તિરુપતિ બાલાજી મંદિરે જનાર શ્રદ્ધાળુ તેના વાળનું દાન કરીને અહંકારનો ત્યાગ કરી દે છે અને આ પ્રકારે તે ભગવાન પ્રત્યે તેની શ્રદ્ધા, સમર્પણને વ્યક્ત કરે છે. અનંત અંબાણીએ પણ આ જ પરંપરાનું પાલન કર્યું.
અનંત અંબાણીએ તિરુપતિ દેવસ્થાન ટ્રસ્ટ એટલે કે TTDને 27.5 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી, સાથોસાથ 25 ઈલેક્ટ્રિક બસોનું પણ દાન કર્યુ છે. અનંતના આ નિર્ણયથી મંદિર આવનારા લાખો શ્રદ્ધાળુઓને ભવિષ્યમાં સુવિધા મળશે. સાથે જ પર્યાવરણના સંરક્ષણની દિશામાં પણ આ મહત્વનું પગલું મનાઈ રહ્યું છે. બસો ચલાવવા માટે જરૂરી 50 ડ્રાઈવરનો ખર્ચ અને અન્ય સુવિધાઓ પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જ ઉઠાવશે.
