બોર્ડર ગાવસ્કર ટ્રોફીના ઉત્સાહ વચ્ચે દેશમાં હાલમાં રણજી ટ્રોફી 2022ની સેમિ ફાઈનલ મેચ પણ રમાઈ રહી છે. સૌરાષ્ટ્ર સામેની રણજી ટ્રોફી સેમિ ફાઈનલ મેચમાં કર્ણાટકના કેપ્ટન અને ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલે શાનદાર પ્રદર્શન કર્યું છે. મયંક અગ્રવાલે ટેસ્ટ મેચના બીજા દિવસે બેવડી સદી ફટકારીને વિચિત્ર સેલિબ્રેશન કર્યું હતું. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
8 ફેબ્રુઆરીથી સૌરાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે સેમિ ફાઈનલ મેચની શરુઆત થઈ હતી. સૌરાષ્ટ્રના બોલરોએ કર્ણાટકના ખેલાડીઓને ચારે તરફથી ઘેરવાનો પ્લાન બનાવી લીધો હતો અને તેઓ પોતાના પ્લાનમાં સફળ પણ થઈ રહ્યાં હતા. પણ ત્યાં જ કર્ણાટકનો કેપ્ટન મયંક અગ્રવાલ વન મેન આર્મી બનીને મેદાન પર ઉતરી આવ્યો.
સેમિ ફાઈનલ મેચમાં કર્ણાટકની ટીમ પહેલા બેંટિગ કરવા માટે ઉતરી હતી. પણ 100 રનનો સ્કોર પર તેમની અડધી ટીમ પવેલિયનમાં પહોંચી ગઈ હતી. 300 રનનો સ્કોર જ્યાં મુશ્કેલ લાગી રહ્યો હતો, ત્યાં મયંક અગ્રવાલે બેવડી સદી મારીને કર્ણાટકની આશા જીવંત રાખી. મયંક અગ્રવાલે સેમિ ફાઈનલની પહેલી પારીમાં 429 બોલમાં 249 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 26 ચોગ્ગા અને 6 છગ્ગા પણ ફટકાર્યા હતા.
— Shivam Rajvanshi (@social_timepass) February 9, 2023
સેમિ ફાઈનલ મેચ દરમિયાન મયંક અગ્રવાલે 367 બોલમાં જ બેવડી સદી ફટકારી લીધી હતી અને વિચિત્ર અંદાજમાં બેવડી સદીની ઊજવણી પણ કરી હતી. મયંક અગ્રવાલે જીભ કાઢીને બેવડી સદીની ઊજવણી કરી હતી. આ બેવડી સદીને કારણે કર્ણાટકે પ્રથમ પારીમાં 407 રનનો સ્કોર ઊભો કરી દીધો હતો.
મયંક અગ્રવાલની આ વિચિત્ર ઊજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. મોટા ભાગના યુઝર્સ મયંક અગ્રવાલની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા. મયંક અગ્રવાલે આ સેલિબ્રેશન સિલેકટર્સને એ સંદેશ આપવા માટે કર્યું હતું કે, હજુ મારામાં ઘણી રમત બાકી છે.
8 ફેબ્રુઆરીથી બંગાળ અને મધ્યપ્રદેશ, કર્ણાટક અને સૌરાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રોફી 2022ની સેમિ ફાઈનલ મેચ રમાઈ રહી છે. બીજા દિવસની રમત બાદ બંગાળનો સ્કોર 438 અને કર્ણાટકનો સ્કોર 407 નોંધાયો હતો. બીજા દિવસના અંતે બંગાળ સામે મધ્યપ્રદેશનો સ્કોર 56 રન પર 2 વિકેટ રહ્યો હતો. જ્યારે કર્ણાટક સામે સૌરાષ્ટ્રનો સ્કોલ 76 રન પર 2 વિકેટ રહ્યો હતો.