
Zomato ના એક ડિલિવરી રાઈડરનો રખડતી ગાયોને રોટલી ખવડાવવાનો દિલ સ્પર્શી જાય તેવો વીડિયો વાયરલ થયો છે. આ ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે એક ગ્રાહકે એક અનોખી વિનંતી કરી અને રાઈડરને કહ્યું કે, તે તેના દ્વારા મંગાવવામાં આવેલી રોટલીઓને મંદિર પાસે બેઠેલી ત્રણ ગાયોને ખવડાવી દે.
ગ્રાહકે જણાવ્યું કે, તે ઘરની બહાર ગઈ છે. તેણે તે ખાવાનું પ્રાણીઓ માટે મંગાવ્યું, જેથી તેઓ ભૂખ્યા ન રહે. ગ્રાહકની આ ઉદારતાથી પ્રભાવિત થઈને, ડિલિવરી એજન્ટે પ્રાણીઓ માટે ભેટ તરીકે પોતે બિલ ચૂકવવાનો આગ્રહ રાખ્યો અને પછી તેમને ખાવાનું ખવડાવતા તેમજ પંપાળતા વીડિયો બનાવી લીધો.
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @themk09ride નામના હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં ડિલિવરી બોયે ગ્રાહક સાથે ફોન પર થયેલી પોતાની વાતચીતનો એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોની શરૂઆતમાં મહિલા લોકેશન પર પહોંચીને ડિલિવરી બોયને ફોન કરે છે.
મહિલા પૂછે છે કે, શું તે એ મંદિર પાસે પહોંચી ગયો, જ્યાં ત્રણ ગાયો બેઠી છે? બસ ડિલિવરી બોયના ‘હા’ કહેવા પર, તે એક અનોખી વિનંતી કરે છે. મહિલા ડિલિવરી બોયને વિનંતી કરે છે કે, તે ગાયોને એ રોટલીઓ ખવડાવે; જે તેણે ફૂડ ડિલિવરી એપથી મંગાવી હતી.
ડિલિવરી બોયે પૂછ્યું કે, શું તેણે ગાયોને ખવડાવવા માટે ખાસ કરીને ખાવાનું મંગાવ્યું હતું? ત્યારે તેણે “હા” જવાબ આપ્યો. આ પછી તેણે જણાવ્યું કે, તે પ્રાણીઓને ખવડાવવા માટે દરરોજ ત્રણ વધારાની રોટલી બનાવે છે પરંતુ આજે તેને ક્યાંક બહાર જવાનું હતું, તેથી રોટલી ન બનાવી શકી. પ્રાણીઓ ભૂખ્યા રહેશે એ ચિંતામાં તેણે Zomato થી તેમના માટે ખાવાનું મંગાવ્યું હતું.
જો કે, આ પછી જે થાય છે તે વીડિયોને વધુ દિલ સ્પર્શી જાય તેવો બનાવી દે છે. ત્યારબાદ ડિલિવરી બોય મહિલાને ઓર્ડરના પૈસા ન આપવા માટે કહે છે. મહિલા પૂછે છે “કેમ?”, તો વ્યક્તિ જણાવે છે કે; આ તેના તરફથી ગાયો માટે ભેટ છે. આ પછી વીડિયોમાં રાઈડર ગાયોને રોટલી ખવડાવતો દેખાય છે. વીડિયોના અંતમાં તે પ્રાણીઓને પ્રેમથી પંપાળે છે.
આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ આવી, જેમાંના ઘણા લોકોએ મહિલાના આ નેક કામની પ્રશંસા કરી. કેટલાક લોકોએ ડિલિવરી રાઈડર પ્રત્યે પણ આભાર વ્યક્ત કર્યો. એક યૂઝરે લખ્યું કે, ‘જીવનમાં કોઈ ખરેખર બહુ વ્યસ્ત નથી હોતું. આ મહિલાને ખૂબ સન્માન. તેમના જેવી મહિલાઓને કારણે આપણે જોઈ શકીએ છીએ કે, માતૃત્વ લિંગ, ધર્મ અને પ્રજાતિઓથી પણ પર છે. તે પ્રેમ, સંભાળ, કરુણા અને નિઃસ્વાર્થતાથી વ્યાખ્યાયિત થાય છે.’
બીજા યૂઝરે લખ્યું કે, ‘મહિલા અને ડિલિવરી રાઈડર બંનેને ખૂબ સન્માન.’ ત્રીજા યૂઝરે લખ્યું કે, ‘આજે મેં જેટલા પણ વીડિયો જોયા, તેમાંથી આ સૌથી શ્રેષ્ઠ વીડિયો હતો.’ ચોથા યૂઝરે લખ્યું કે, ‘તમે બંનેએ આજે મારું દિલ જીતી લીધું.’