Trending Video : સરનામું શેર કરવું પડ્યું ભારે! દિવાળીમાં મીઠાઈ મંગાવતાં ઇન્ફ્લુએન્સર સાથે થયો પ્રેન્ક, ઘરની બહાર ₹1.69 લાખનાં પાર્સલનો ખડકલો
દિવાળીના તહેવાર નિમિત્તે ફોલોઅર્સ પાસેથી પ્રેમ અને મીઠાઈની અપેક્ષા રાખતા એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે અણધારી ઘટના બની. પોતાના ઘરનું સરનામું સોશિયલ મીડિયા પર શેર કરવું તેને એટલું ભારે પડ્યું કે અંતે તેણે સોશિયલ મીડિયા પર હાથ જોડીને લોકોને વિનંતી કરવી પડી.

દિવાળીના અવસર પર તમિલનાડુના એક ઇન્ફ્લુએન્સરે સોશિયલ મીડિયા પર પોતાનું સરનામું શેર કર્યું હતું. મદુરાઈના રહેવાસી વીરમણિ માટે આ નિર્ણય ભારે મુશ્કેલીનું કારણ બન્યો. પરિસ્થિતિથી કંટાળીને તેણે એક વીડિયો બનાવ્યો અને નેટિઝન્સને આવું કરવાનું બંધ કરવા અપીલ કરી. વાસ્તવમાં, વીરમણિના ફોલોઅર્સે તેની સાથે પ્રેન્ક કરવાનું નક્કી કર્યું હતું. આ પ્રેન્ક હેઠળ તેના ઘરના સરનામે મોંઘી વસ્તુઓનાં પાર્સલ મોકલવાનું શરૂ કરવામાં આવ્યું. ધીમે-ધીમે પાર્સલની સંખ્યા એટલી વધી ગઈ કે ઇન્ફ્લુએન્સર પરેશાન થઈ ગયો. આખરે તેણે વીડિયો બનાવીને લોકોને પાર્સલ મોકલવાનું બંધ કરવાની વિનંતી કરી.
શું છે સમગ્ર મામલો?
વીરમણિ એક સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર છે અને તેના ઘણા ફોલોઅર્સ છે. તેણે વિચાર્યું કે આ દિવાળીએ ફોલોઅર્સ પાસેથી થોડો પ્રેમ અને મીઠાઈ મેળવવાની વિનંતી કરવામાં આવે. આ માટે તેણે પોતાનો ફોન નંબર અને ઘરના સરનામાની માહિતી ઓનલાઇન શેર કરી હતી. પરંતુ સરનામું શેર કર્યા બાદ ફોલોઅર્સે મીઠાઈને બદલે મોંઘી ભેટવસ્તુઓ તેના ઘરે મોકલવાનું શરૂ કર્યું.
સૌથી મહત્ત્વની વાત એ હતી કે ફોલોઅર્સે આ વસ્તુઓની ઓર્ડર તો આપી, પરંતુ તેની ચુકવણી માટે કેશ ઓન ડિલિવરી (COD) વિકલ્પ પસંદ કર્યો હતો. તેના કારણે વીરમણિના ઘરે ટીવી, ફ્રિજ અને વૉશિંગ મશીન જેવી મોંઘી વસ્તુઓ પહોંચવા લાગી. ડિલિવરી એજન્ટો પણ તેની પાસે આ વસ્તુઓના પૈસા માગવા લાગ્યા.આ રીતે મોકલવામાં આવેલી તમામ વસ્તુઓની કુલ કિંમત આશરે ₹1.69 લાખ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર થયો પરેશાન
જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર જવા લાગી અને ઘરે આવતાં પાર્સલની સંખ્યા સતત વધતી રહી, ત્યારે વીરમણિ આ બધાથી કંટાળી ગયો. આખરે તેણે સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો શેર કર્યો, જેમાં તેણે હાથ જોડીને યુઝર્સને વિનંતી કરી હતી. વીડિયોમાં તેણે કહ્યું કે ભાઈઓ, તમે આવું શા માટે કરી રહ્યા છો? ડિલિવરી કરવા આવતા લોકો ખૂબ દૂરથી આવી રહ્યા છે.
આ બધાના પૈસા ચૂકવવા માટે મારી પાસે પૂરતા પૈસા નથી. કૃપા કરીને આ બંધ કરો. જોકે, આ અપીલ બાદ પણ કેટલાક તોફાની યુઝર્સે ખોટા ઓર્ડર આપવાનું બંધ કર્યું નહોતું. પરિસ્થિતિથી કંટાળીને વીરમણિએ જાહેર કર્યું કે પોતાની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે કદાચ તેને શહેર છોડવું પડશે.
જુઓ Video
View this post on Instagram
નોંધ: આ ઘટના સંબંધિત માહિતી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી પોસ્ટ્સ અને વીડિયો પર આધારિત છે. તેમાં કરવામાં આવેલા તમામ દાવાઓની TV9 ગુજરાતી દ્વારા સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.
