
સોશિયલ મીડિયા પર ટ્રેન, બસ કે મેટ્રોમાં મુસાફરો વચ્ચે થયેલી બોલાચાલી અને મારામારીના વીડિયો વાયરલ થતા હોય છે. ક્યારેક સીટને લઈને વિવાદ થાય છે, તો ક્યારેક કોઈ સામાન્ય વાત પર થયેલી બોલાચાલી એટલી વધી જાય છે કે લોકો એકબીજા પર હાથ ઉઠાવવા લાગે છે. આવા વીડિયો સામે આવ્યા બાદ લોકો ઘણીવાર લોકોના વર્તન અને સિવિક સેન્સ પર સવાલ ઉઠાવે છે. પરંતુ આ વખતે આવો જ એક ચોંકાવનારો વીડિયો ફ્લાઇટની અંદરથી સામે આવ્યો છે.
વાયરલ થઈ રહેલો આ વીડિયો વિમાન બાંગ્લાદેશ એરલાઈન્સની ફ્લાઇટનો હોવાનું કહેવાય છે. જોકે, ઘટનાને લઈને શરૂઆતના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ફ્લાઇટ લંડનથી બાંગ્લાદેશ જઈ રહી હતી. બાદમાં એરલાઈન્સના એક અધિકારીને ટાંકીને સામે આવ્યું કે આ ફ્લાઇટ સિલહેટથી લંડન માટે રવાના થઈ હતી. આ ઘટના 17 સપ્ટેમ્બર 2026 ની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે ફ્લાઇટના કેબિનમાં બેઠેલા બે મુસાફરો વચ્ચે અચાનક વિવાદ શરૂ થાય છે. જોતજોતામાં બંને એકબીજા પર હાથ ઉઠાવવા લાગે છે અને વાત મારામારી સુધી પહોંચી જાય છે. થોડી જ સેકન્ડમાં સ્થિતિ એટલી બગડી જાય છે કે બંને મુસાફરો સીટોની આસપાસ પડતા પણ જોવા મળે છે. આ દરમિયાન એક મુસાફરની ટી-શર્ટ પણ ફાટી જાય છે.
ફ્લાઇટમાં હાજર અન્ય મુસાફરો માટે આ સમગ્ર ઘટના ખૂબ જ ડરામણી હતી. આસપાસ બેઠેલા કેટલાક લોકોએ બંનેને રોકવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ કેબિન ક્રૂ પણ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યો અને બંને મુસાફરોને અલગ કર્યા. વીડિયોમાં આસપાસ બેઠેલા મુસાફરોના ચહેરા પર ગભરાટ પણ સ્પષ્ટ જોવા મળે છે.
સૂત્રો અનુસાર, જ્યારે આ ઘટના બની ત્યારે વિમાનમાં બાળકો અને વૃદ્ધ મુસાફરો પણ હાજર હતા. અચાનક શરૂ થયેલી મારામારીથી આસપાસ બેઠેલા લોકોમાં થોડા સમય માટે અફરાતફરી જેવું વાતાવરણ સર્જાયું હતું. જોકે, બંને મુસાફરો વચ્ચે વિવાદ આખરે કઈ બાબતને લઈને શરૂ થયો હતો તે હજુ સ્પષ્ટ નથી.
આ મામલે Dhaka Tribune ના અહેવાલમાં એરલાઈન્સ પાસેથી માહિતી માંગવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ છે. શરૂઆતમાં વિમાન બાંગ્લાદેશ એરલાઈન્સના જનરલ મેનેજર (પબ્લિક રિલેશન્સ) મહબૂબુદ્દીન અહમદે કહ્યું હતું કે તેમને ઘટનાની જાણકારી નહોતી. ત્યારબાદ એરલાઈન્સના જનરલ મેનેજર (પબ્લિક રિલેશન્સ) મોહિઉદ્દીન અહમદે ઘટનાની પુષ્ટિ કરી હતી.
મોહિઉદ્દીન અહમદના જણાવ્યા અનુસાર, સિલહેટથી લંડન જઈ રહેલી ફ્લાઇટમાં બે મુસાફરો વચ્ચે પહેલા વિવાદ થયો અને ત્યારબાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો. કેબિન ક્રૂએ તરત જ હસ્તક્ષેપ કરીને બંનેને અલગ કર્યા અને સ્થિતિને સંભાળી લીધી. ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં ફ્લાઇટની અંદર થયેલી મારામારીની સાથે અન્ય મુસાફરોની પ્રતિક્રિયાઓ પણ જોવા મળે છે.
Is Biman Bangladesh Airlines the Spirit Airlines of Asia?
This video shows two passengers coming to blows aboard a Biman Bangladesh Airlines flight. One man’s T-shirt gets torn in the melee. Other passengers pile in to separate them as the cabin turns into a flying parking-lot… pic.twitter.com/53aeV1rYCJ
— Kim “Katie” USA (@KimKatieUSA) September 17, 2026
નોંધ : આ વીડિયો X (Twitter) પર @KimKatieUSA દ્વારા શેર કરવામાં આવ્યો છે. TV9 ગુજરાતી આ વીડિયોની સ્વતંત્ર રીતે ચકાસણી કરી નથી. વીડિયોમાં દર્શાવવામાં આવેલી માહિતીની સત્યતા અંગે અમે કોઈ દાવો કરતા નથી.