
દુબઈનું નામ સાંભળતા જ ચમક-ધમક, આલીશાન ગગનચુંબી ઇમારતો અને લક્ઝરી લાઇફસ્ટાઇલ આંખો સામે આવી જાય છે. પરંતુ આ ચમકદાર દુનિયાની એક કડવી સચ્ચાઈ એ પણ છે કે અહીં રહેવું દરેક વ્યક્તિ માટે શક્ય નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ભારતીય મહિલાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે દુબઈના આસમાને પહોંચેલા ભાડાની હકીકત જણાવી છે. મહિલાની આ વ્યથા જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ રહ્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર સાક્ષી નામની એક ભારતીય મહિલાએ પોતાના વીડિયો દ્વારા દુબઈના મોંઘા હાઉસિંગ માર્કેટની હકીકત જણાવી છે. સાક્ષી છેલ્લા એક વર્ષથી દુબઈના એક નાના રૂમમાં રહે છે અને હવે તે આવા જ બીજા નાના રૂમમાં શિફ્ટ થવાની તૈયારી કરી રહી છે. વીડિયોમાં પોતાનો રૂમ બતાવતા તેણે કહ્યું કે, આ નાના ડબ્બા જેવા રૂમ માટે તે દર મહિને લગભગ 45,000 રૂપિયા ખર્ચે છે. તેણે વધુમાં જણાવ્યું કે જગ્યા ભલે નાની હોય અને બજેટ ઘણું વધારે હોય, પરંતુ મજબૂરીમાં લોકોએ આવું કરવું પડે છે.
સાક્ષીએ પોતાના વીડિયોમાં ભારત અને દુબઈના ભાડાની સરખામણી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેણે મજાકિયા અંદાજમાં કટાક્ષ કરતાં કહ્યું કે ભારતના ઘણા શહેરોમાં 45,000 રૂપિયાના બજેટમાં સરળતાથી શાનદાર 3BHK ફ્લેટ મળી શકે છે. જ્યારે દુબઈમાં આટલા પૈસામાં માંડ એક નાનો રૂમ અથવા કમ્પાર્ટમેન્ટ જ મળે છે.
આ વીડિયો સામે આવતાં જ ઇન્ટરનેટ પર યુઝર્સોની કમેન્ટ્સ શરૂ થઈ ગઈ છે. દુબઈમાં રહેતા લોકો સાક્ષીની વ્યથા સાથે સંપૂર્ણપણે સહમત થઈ રહ્યા છે, જ્યારે ભારતના યુઝર્સ આટલું ભારે ભાડું જોઈને આશ્ચર્યચકિત છે. એક યુઝરે કમેન્ટ કર્યું કે, એક નાના રૂમ માટે 45,000 રૂપિયા ચૂકવવા ખરેખર ચોંકાવનારું છે. બીજા યુઝરે લખ્યું કે, દુબઈમાં જીવનનિર્વાહનો ખર્ચ ખરેખર બેકાબૂ થઈ ગયો છે. ઘણા લોકોએ લખ્યું કે દુબઈમાં રહેતા પ્રવાસીઓ આ ભાડાના દર્દને ખૂબ સારી રીતે સમજી શકે છે.