ડેનમાર્કના કોપનહેગનમાં રહેતી ફ્રેડરિક નામની એક છોકરી ભારતીય બ્રાન્ડના પાપડની મોટી ચાહક બની ગઈ છે. તાજેતરમાં, તેણે પોતાનો જુસ્સો સોશિયલ મીડિયા પર શેર કર્યો, જેણે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.
વિદેશી છોકરીએ એક લોકપ્રિય પાપડના બ્રાન્ડની પ્રશંસા તો કરી છે પણ ભૂલથી બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને પાપડ બનાવનાર સમજી લીધો છે. આ ગેરસમજને કારણે ઇન્ટરનેટ પર લોકોએ રમૂજ કોમેન્ટો પાસ કરી છે.
ફ્રેડરિકે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @bhukkad_bidesi પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે એક લોકપ્રિય પાપડ બ્રાન્ડનું પેકેટ બતાવ્યું છે. વીડિયોમાં, છોકરી પેકેટ પર અમિતાભ બચ્ચનના ફોટો તરફ ઈશારો કરીને કહે છે કે, “આ માણસના પાપડ ખરેખર સારા છે. શું કોઈને ખબર છે કે, હું આ બ્રાન્ડના પાપડ ક્યાંથી લઈ શકું? જો કોઈને ખબર હોય, તો કૃપા કરીને મને જણાવો કારણ કે મારી પાસે આ બ્રાન્ડના પાપડ પૂરા થઈ રહ્યા છે.”
છોકરીએ આગળ કહ્યું કે, તેણે આ પાપડ નેપાળથી ખરીદ્યા હતા. જો કે, આ પાપડ કોપનહેગનમાં ક્યાંય ઉપલબ્ધ નથી. તેણે એ પણ કહ્યું કે, મારો સ્ટોક ખતમ થઈ રહ્યો છે, જો કોઈને ખબર હોય કે આ પાપડ ક્યાંથી મળશે અથવા કોણ બનાવે છે, તો કૃપા કરીને મને જણાવો.
ફ્રેડરિકની પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ અને કોમેન્ટ સેક્શન રમુજી ટિપ્પણીઓથી ભરાઈ ગયું. આ પછી ભારતીય નેટીઝન્સે અમિતાભ બચ્ચન દ્વારા પ્રમોટ કરાયેલ વિવિધ બ્રાન્ડ્સ અને સરકારી કાર્યક્રમોને ટાંકીને તેમની મજા લેવાની શરૂ કરી.
એક યુઝરે મજાકમાં કહ્યું કે, બચ્ચન સાહેબ આપણને ઓનલાઈન સ્કેમથી બચાવે છે. બીજા યુઝરે કહ્યું કે, આ એ જ વ્યક્તિ છે કે, જે નવી દિલ્હીના ઈન્ડિયા ગેટ પર બાસમતી ચોખા ઉગાડે છે. આ સિવાય અન્ય યુઝરે કહ્યું કે, આ વ્યક્તિએ મારો જીવ બચાવ્યો છે અને મને પોલિયોના બે ટીપાં પણ પીવડાવ્યા છે.
ઘણા યુઝર્સ અમિતાભ બચ્ચનને ટેગ કરી રહ્યા છે અને લખી રહ્યા છે કે સાહેબ, હવે ફક્ત તમે જ આ છોકરીની મદદ કરી શકો છો. આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ચર્ચાનો વિષય પણ બન્યો છે.