
દિવાળીના થોડા દિવસો અગાઉ આવતા દશેરાના પર્વે સમગ્ર દેશમાં અસત્ય પર સત્યના વિજય તરીકે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. પરંતુ દિલ્હીથી થોડે જ દૂર ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં સ્થિત ‘બિસરખ’ ગામ એક એવું સ્થળ છે જ્યાં રાવણનું દહન નથી કરવામાં આવતું, બલ્કે તેની પૂજા થાય છે. અહીંના સ્થાનિક લોકો રાવણને કોઈ ખલનાયક (વિલન) માનતા નથી, પરંતુ તેને પોતાના ગામનો પૂર્વજ, પ્રકાંડ પંડિત, શિવભક્ત અને પરમ વિદ્વાન માને છે.
માન્યતા મુજબ, આ સ્થળે રાવણના પિતા ઋષિ વિશ્રવા (વિશ્વેશ્વરા) અને તેમના દાદા મહર્ષિ પુલસ્ત્યનો આશ્રમ હતો. ઋષિ વિશ્રવાએ અહીં વર્ષો સુધી ઘોર તપસ્યા કરી હતી, જેનાથી પ્રસન્ન થઈને ભગવાન ભોળાનાથે સાક્ષાત દર્શન આપીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું હતું. ઋષિ વિશ્રવાના નામ પરથી જ સમય જતાં આ ગામનું નામ ‘બિસરખ’ પડ્યું. આ ભૂમિ પર જ રાવણ, કુંભકર્ણ, વિભીષણ, મેઘનાદ અને શૂર્પણખાનો જન્મ થયો હોવાનું સ્થાનિકો માને છે. આ ઉપરાંત ધનના દેવતા કુબેરનો જન્મ પણ આ જ પવિત્ર સ્થળે થયો હોવાની લોકવાયકા છે.
મંદિરમાં સ્થાપિત પ્રાચીન શિવલિંગ કોઈ માણસ દ્વારા સ્થાપિત નથી, પરંતુ જમીનમાંથી સ્વયં પ્રગટ થયેલું સ્વયંભૂ શિવલિંગ છે, જે જમીનની અંદર આશરે 15 ફૂટ ઊંડું વિસ્તરેલું હોવાનું કહેવાય છે. માન્યતા અનુસાર, રાવણ એક જ માથા સાથે જન્મ્યો હતો. તેણે આ જ શિવલિંગ સમક્ષ કઠોર તપસ્યા કરી હતી અને પોતાના 10 મસ્તક કાપીને એક પછી એક શિવજીના ચરણોમાં અર્પણ કર્યા હતા, જેના ફળસ્વરૂપે તેને અસીમ શક્તિઓ અને દિવ્ય વરદાન પ્રાપ્ત થયા હતા. શક્તિઓ મેળવ્યા બાદ તે લંકા ગયો હતો.
શ્રાવણ માસમાં શિવલિંગ પર જળ ચઢાવવાની પરંપરાની શરૂઆત પણ સર્વપ્રથમ મહાદેવના પરમ ભક્ત રાવણે જ કરી હોવાનું અહીંના વડીલો જણાવે છે.
બિસરખ ગામમાં રાવણને પૂર્વજ અને આદર્શ માનવામાં આવે છે. સ્થાનિક માન્યતા એવી છે કે ભૂતકાળમાં જ્યારે પણ કોઈએ અહીં રાવણનું પૂતળું બાળવાનો કે દહન કરવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે ગામમાં કોઈને કોઈ મોટી કુદરતી કે અણધારી આપત્તિ આવી પડી છે. આ અશુભ ઘટનાઓના કારણે ગામમાં ક્યારેય રાવણ દહન થતું નથી.
ગામના વડીલો અને યુવાનો રાવણના જ્ઞાન અને રાજધર્મની પ્રશંસા કરતા થાકતા નથી. તેમના મતે:
બિસરખ ગામના લોકો માટે આ સ્થાન માત્ર એક ધાર્મિક ધામ નથી, પરંતુ તેમની એક આગવી ઐતિહાસિક ઓળખ છે, જ્યાં રાવણને અસુર તરીકે નહીં પરંતુ પરમ જ્ઞાની, શિવભક્ત અને વિદ્વાન પૂર્વજ તરીકે પૂજવામાં આવે છે.