
નવરાત્રી અને દાંડિયાની સીઝન શરૂ થતાં જ લોકો ઉત્સાહભેર નવાં કપડાંની ખરીદી કરતા હોય છે. કોઈ મનપસંદ ચણિયા-ચોળી, ડિઝાઈનર લહેંગા કે ટ્રેડિશનલ કુરતા પહેરીને ખેલૈયાઓ ગરબાનો આનંદ માણતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક લોકો તહેવારમાં માત્ર એક-બે દિવસ કપડાં પહેરીને તેને ઓનલાઇન રિટર્ન કરી દેતા હોય છે? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોએ આ કથિત અયોગ્ય વલણને લઈને નવી ચર્ચા જગાવી છે. વીડિયોમાં ઓનલાઇન રિટર્ન કરાયેલા પાર્સલોના એટલા મોટા ઢગલા જોવા મળી રહ્યા છે કે જેને જોઈને સૌ કોઈ અચરજ પામી ગયા છે.
હકીકતમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર નિશાંત ચાંટ નામના યુઝરે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો એક રહેણાંક સોસાયટી પરિસરનો છે, જ્યાં ઓનલાઇન શોપિંગના સેંકડો પાર્સલ એકઠા કરવામાં આવી રહ્યા હોવાનું દેખાય છે. પરિસરમાં એક શટર નીચે સીલબંધ પેકેટોનો મોટો ઢગલો લાગેલો છે અને બહાર ખુલ્લા વિસ્તારમાં પણ ઠેર-ઠેર પાર્સલ વેરવિખેર પડેલા દેખાય છે. આ તમામ પેકેટ્સ પર શિપિંગ લેબલ અને બારકોડ લગાવેલા છે, જે સ્પષ્ટ કરે છે કે આ તમામ સામગ્રી ઓનલાઇન રિટર્ન પ્રક્રિયા હેઠળ પ્રોસેસ થઈ રહી છે.
વીડિયોમાં આગળ એક મોટી ગુલાબી બેગ પણ બતાવવામાં આવી છે, જેની અંદર અસંખ્ય પાર્સલ ભરેલા છે. સફેદ કોથળાઓમાં પેક કરેલો માલસામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવી રહ્યો છે. બિલ્ડિંગની આસપાસના રસ્તાઓ પર પણ સીલબંધ પાર્સલના ઢગલા જોવા મળી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં પાર્સલ જોઈને અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે નવરાત્રી પૂર્ણ થયા બાદ આ તમામ ડ્રેસ અને કપડાં રિટર્ન કરવામાં આવ્યા છે.
આ દ્રશ્યો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે ખરીદદારોની માનસિકતા પર આકરા સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું છે. ઘણાં યુઝર્સને શંકા છે કે લોકોએ નવરાત્રી અને દાંડિયા ઇવેન્ટ્સમાં પહેરવા ખાતર જ આ કપડાં ઓર્ડર કર્યા હતા અને કાર્યક્રમો પતતાં જ રિટર્ન પોલિસીનો ગેરલાભ ઉઠાવી પરત મોકલી દીધા છે. જોકે, વીડિયોમાં દેખાતા તમામ પાર્સલમાં ચોક્કસ કઈ વસ્તુઓ છે અને તે શા માટે પરત કરાયા છે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આ વીડિયો સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, “દાંડિયા પૂરા… ડ્રેસ રિટર્ન. બેશરમ પેઢી.” આ કેપ્શને નેટિઝન્સનું ધ્યાન ખેંચ્યું અને જોતજોતામાં વીડિયો ચર્ચાનું કેન્દ્ર બની ગયો. કમેન્ટ સેક્શનમાં મોટાભાગના લોકોએ આવા કથિત ટ્રેન્ડ સામે નારાજગી વ્યક્ત કરી છે. કેટલાક યુઝર્સે લખ્યું કે જો લોકો માત્ર એકાદ-બે દિવસના દેખાડા માટે કપડાં પહેરીને પાછા મોકલી દેતા હોય, તો તેનું સૌથી મોટું આર્થિક નુકસાન એ નાના વેપારીઓ અને સેલર્સને ભોગવવું પડે છે જેઓ દરેક ઓર્ડર તૈયાર કરવા, પેક કરવા અને રિટર્ન હેન્ડલ કરવામાં પોતાનો સમય અને મૂડી ખર્ચે છે.
એક યુઝરે લખ્યું કે, “જ્યાં ઘણા લોકો તહેવારમાં નવા કપડાં ખરીદવાનું પણ પરવડી શકતા નથી, ત્યાં કેટલાક લોકો માત્ર સોશિયલ મીડિયા પર ફોટો પડાવવા અને દેખાડો કરવા માટે આવી હરકતો કરે છે.” બીજા એક યુઝરે કટાક્ષ કરતાં કહ્યું કે કદાચ આવા લોકોના કારણે જ હવે ઈ-કોમર્સ કંપનીઓ રિટર્ન વિન્ડો 24 કલાક જેવી ટૂંકી કરી રહી છે. હાલ આ વાયરલ વીડિયોએ ઓનલાઇન રિટર્ન પોલિસીના ગેરઉપયોગ અને નૈતિકતા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.