
5 મે 2025થી ઘણા સ્માર્ટફોનમાં WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. WhatsApp દર વર્ષે એવા ફોનનુ લિસ્ટ બહાર પાડે છે કે જે ખૂબ જૂના હોય અને જેના માટે કંપનીએ સોફ્ટવેર અપડેટ આપવાનું બંધ કરી દીધું હોય. તો ચાલો જાણીએ, કયા સ્માર્ટફોન પર WhatsApp બંધ થશે.
જણાવી દઈએ કે, WhatsApp ફક્ત iOS 15.1 અથવા તો તેનાથી ઉપરના વર્ઝન પર જ કામ કરશે. આનો અર્થ એ છે કે, જેમની પાસે iPhone 5s, iPhone 6 અને iPhone 6 Plus છે તેઓના ફોન પર WhatsApp કામ કરશે નહીં. તે લોકોને નવું ડિવાઇસ લેવું પડી શકે છે.
WhatsApp તેના યુઝર્સની સુવિધા સુધારવા અને તેમની પ્રાઈવસીને મજબૂત બનાવવા માટેનું કામ કરી રહ્યું છે. આના થકી તેઓ દર વર્ષે જૂના ડિવાઇસની લિસ્ટ બહાર પાડે છે કે જે સેફ નથી હોતા અને જેમાં અપડેટેડ ફીચર્સ કામ નથી કરતા. જે આઇફોન મોડેલ્સમાં એપલ સિકયોરિટી અપડેટ્સ પ્રદાન કરી રહ્યું નથી તેમાં ડેટા ચોરી થવાનું અથવા વાયરસ થવાનું જોખમ વધી જાય છે. આમાં WhatsApp બિઝનેસ એપનો પણ સમાવેશ થાય છે.
WhatsAppનો સપોર્ટ દરેક iPhone પર બંધ થઈ રહ્યો નથી, WhatsAppનો સપોર્ટ ફક્ત જૂના મોડેલ પરથી દૂર થઈ રહ્યો છે. iPhone 8 અને iPhone Xને હજુ પણ WhatsApp સપોર્ટ મળતો રહેશે પરંતુ એક વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, કંપની આ મોડેલોને પણ સોફ્ટવેર અપડેટ્સ આપી રહી નથી. આ મુજબ, એવી શક્યતા છે કે આગામી વર્ષોમાં આ ડિવાઇસ પર WhatsApp સપોર્ટ ઉપલબ્ધ થવાનું બંધ થઈ શકે છે.
જો તમે દરરોજ WhatsApp વાપરો છો તો એવો સ્માર્ટફોન ખરીદવાનો પ્રયાસ કરો કે જેમાં નવા સોફ્ટવેર હોય. જો તમે સેકન્ડ હેન્ડ આઇફોન ખરીદી રહ્યા હોવ તો પણ સોફ્ટવેર પર ધ્યાન રાખવું જરૂરી છે. નવા સોફ્ટવેર અપડેટ સાથે ફોન ખરીદવાનો ફાયદો એ છે કે તમને WhatsAppની નવી સુવિધાઓ જેવી કે ચેટ લોક, ડિસઅપેયરિંગ મેસેજ ફીચર અને પ્રાઈવસી સેટિંગ્સનો ફાયદો પણ મળશે.