મેસેજિંગ એપ વોટ્સએપ દુનિયામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતા એપમાંથી એક છે. મેસેજિંગ એપ વોટ્સએપ ઈન્ડિયાના હેડ અભિજીત બોઝ અને મેટા ઈન્ડિયાના પબ્લિક પોલિસી ડાયરેક્ટર રાજીવ અગ્રવાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. આ રાજીનામા બાદ હવે શિવનાથ ઠુકરાલને વોટ્સએપ ઈન્ડિયા સહિત મેટાના પ્લેટફોર્મના ડાયરેક્ટર પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલા તેઓ વોટ્સએપ ઈન્ડિયાના પબ્લિક પોલીસી ડિપાર્ટમેન્ટના હેડ હતા. હાલમાં જ મેટા એ 11,000 કર્મચારીઓને નોકરીમાંથી નીકાળ્યા છે. મેટા ઈન્ડિયાના ભારતના પ્રમુખ અજીત મોહને આ મહિનાના શરુઆતમાં જ રાજીનામુ આપ્યુ હતુ.
વોટ્સએપ દુનિયામાં સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે. તે આખી દુનિયામાં કરોડો યુઝર્સ ધરાવે છે. તે પોતાના યુઝર્સની સુવિધાઓને ધ્યાનમાં રાખીને અનેક નવા ફીચર લાવતુ રહે છે. તે પોતાના યુઝર્સની ફરિયાદોનું પણ ઝડપથી નિવારણ કરવાનો પ્રયાસ કરે છે. તે બધા વચ્ચે વોટ્સએપમાં હાલમાં મોટી ઉથલપાથલ મચી છે.
અભિજીત બોઝના રાજીનામાના સમાચાર મળતા જ વોટ્સએપના હેડ Will Cathcartએ એક નિવેદનમાં કહ્યુ કે, અભિજીત બોઝનું હું વોટ્સએપની તરફથી આભાર માનું છું. તેમણે વોટ્સએપ ઈન્ડિયાના હેડ તરીકે શાનદાન સેવા આપી છે. તેમણે ભારતમાં વોટ્સએપની સેવાઓને લોકો સુધી સારી રીતે પહોંચાડી છે. તેના કારણે દેશના કરોડો લોકો અને અમારા બિઝનેસને ખુબ ફાયદો થયો છે. હવે વોટ્સએપ ઈન્ડિયાના નવા હેડની નિયુક્ત ટૂંક સમયમાં કરવામાં આવશે. વોટ્સએપ પોતાના બિઝનેસ માટે ભારતમાં આમ જ કામ કરતુ રહેશે.
મેટા ઈન્ડિયાના પબ્લિક પોલીસી ડાયરેક્ટર રાજીવ અગ્રવાલ વિશે કંપનીએ જણાવ્યુ છે કે તેઓ બીજા સારા અવસરની શોધમાં છે તેથી તેમણે રાજીનામું આપ્યુ છે. જ્યારે અભિજીત બોઝનું રાજીનામું આપ્યા બાદ ભવિષ્યનું શું પ્લાન છે તેના વિશે જાણવા મળ્યુ નથી. કંપનીએ બન્નેના રાજીનામા સ્વીકારી તેમને સારા ભવિષ્યની શુભકામના પાઠવી છે.
આ પહેલા મેટા ઈન્ડિયાના ભારતના હેડ અજીત મોહને પણ 3 નવેમ્બર, 2022ના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ. મીડિયા રિપોર્ટ અનુસાર, તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્નેપચેટ સાથે જોડવા જઈ રહ્યા છે.