
ભારત સરકાર મેસેજિંગ એપ્સ માટે સિમ બાઈન્ડિંગ (SIM Binding) નિયમ લાગુ કરવાની સમયમર્યાદા લંબાવવાની તૈયારીમાં છે. દૂરસંચાર વિભાગ હવે આ ડેડલાઈનને ફેબ્રુઆરી 2026 થી વધારીને ડિસેમ્બર 2026 સુધી કરી શકે છે. ટેકનિકલ સમસ્યાઓના કારણે કંપનીઓએ સરકાર પાસે વધુ સમય માંગ્યો હતો. આ નિર્ણયથી WhatsApp અને Telegram જેવા પ્લેટફોર્મ્સને મોટી રાહત મળી શકે છે.
સરકારે અગાઉ મેસેજિંગ પ્લેટફોર્મ માટે SIM Binding ની છેલ્લી તારીખ ફેબ્રુઆરી 2026 નક્કી કરી હતી, પરંતુ હવે તેને આગળ વધારવાની યોજના છે. અહેવાલો અનુસાર, કંપનીઓને આ સિસ્ટમ લાગુ કરવામાં ઘણી તકનીકી પડકારો (Technical Challenges) નો સામનો કરવો પડી રહ્યો છે.
નવા નિયમ મુજબ WhatsApp, Telegram અને અન્ય એપ્સને યુઝર્સની ઓળખ તેમના મોબાઇલ નંબર સાથે જોડવી પડશે. તેનો અર્થ એ છે કે યુઝર માત્ર તે જ ડિવાઇસ પર એકાઉન્ટ એક્સેસ કરી શકશે, જેમાં રજીસ્ટર્ડ SIM હાજર હશે. જો SIM નહીં હોય તો લોગિન શક્ય નહીં બને.
સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ટેલિકોમ ઓળખના દુરુપયોગને રોકવાનો છે, ખાસ કરીને વિદેશથી થતા સાયબર ફ્રોડ પર લગામ લગાવવી. બેંકિંગ અને પેમેન્ટ એપ્સમાં આ પ્રકારના નિયમો પહેલેથી જ લાગુ છે, જેનાથી સુરક્ષા વધી છે. હવે મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર પણ આ જ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જોકે, આનાથી યુઝર્સને થોડી અસુવિધા થઈ શકે છે, પરંતુ લાંબા ગાળે આ તેમની ડિજિટલ સુરક્ષાને વધુ સારી બનાવવામાં મદદ કરશે.
આ નિયમ પાછળનો મુખ્ય તર્ક ‘Device-SIM-App’ ત્રિપુટીને એકબીજા સાથે લોક કરવાનો છે. અત્યારે સ્કેમર્સ બીજાના OTP મેળવીને ગમે તે દેશમાંથી એકાઉન્ટ હેક કરી લે છે, પરંતુ SIM Binding આવ્યા પછી જો હુમલાખોર પાસે તમારું ફિઝિકલ SIM કાર્ડ નહીં હોય, તો તે તમારું એકાઉન્ટ ખોલી શકશે નહીં. આ સિસ્ટમ eSIM યુઝર્સ માટે થોડી જટિલ હોઈ શકે છે, જેના કારણે સોફ્ટવેર કંપનીઓ અત્યારે તેના પર કામ કરી રહી છે.
ચીનને મોટો ફટકો ! 1 એપ્રિલથી ચાઈનીઝ CCTV કેમેરા પર લાગી શકે છે પ્રતિબંધ