
શું તમે ક્યારેય એવા એસી વિશે વિચાર્યું છે જે પવન ફેંક્યા વગર જ આખા રૂમને એકદમ ઠંડો કરી દે? સામાન્ય રીતે એસીમાંથી નીકળતી સીધી બરફીલી હવા ઘણા લોકો માટે અસુવિધા અને શારીરિક અકડાણનું કારણ બને છે. આ જ સમસ્યાને દૂર કરવા માટે સેમસંગ કંપનીએ વિન્ડ-ફ્રી એર કંડિશનર ટેક્નોલોજી રજૂ કરી છે. આ એસીના ફ્રન્ટ પેનલ પર 23,000 છિદ્રો આપેલા છે, જેના કારણે તે હવાને એટલી બારીક રીતે રૂમમાં ફેલાવે છે કે તમને ઠંડા પવનની ખબર પણ નથી પડતી અને રૂમ એકદમ ચિલ્ડ થઈ જાય છે.
કાળઝાળ ગરમીમાં એસીમાં બેસવું દરેકને ગમે છે, પરંતુ જ્યારે એસીની ઠંડી હવા સીધી શરીર પર વાગે છે ત્યારે મુશ્કેલી શરૂ થાય છે. સેમસંગે વર્ષ 2016માં પહેલીવાર વિન્ડ-ફ્રી કૂલિંગ ટેક્નોલોજી રજૂ કરી હતી. હવે એક દાયકાના લાંબા રિસર્ચ અને આધુનિક ટેક્નોલોજી બાદ કંપનીએ સેમસંગ બેસ્પોક એઆઈ વિન્ડ-ફ્રી પ્રો એર કંડિશનર (Samsung Bespoke AI WindFree Pro Air Conditioner) લોન્ચ કર્યું છે. આ ખાસ પ્રકારનું એસી સીધો પવન ફેંકતું નથી, પરંતુ AI ની મદદથી એકદમ શાંતિપૂર્વક તમારા રૂમને સામાન્ય એસી કરતાં પણ વધુ ઠંડો રાખે છે.
આ એસીની આગળની પેનલ ખૂબ જ ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આ પેનલ પર 23,000 અતિ સૂક્ષ્મ એર હોલ્સ છે. આ છિદ્રો એસીની હવાને સીધી બહાર ફેંકવાને બદલે આખા રૂમમાં ધીમે-ધીમે અને એકસમાન રીતે મુક્ત કરે છે. આનાથી શરીર પર ઠંડી હવા ચુભતી નથી અને રૂમ સામાન્ય એસીની જેમ જ બરફ જેવો ઠંડો થઈ જાય છે.
તેની બાહ્ય ડિઝાઇન આધુનિક ઘરોના ઇન્ટિરિયરને ધ્યાનમાં રાખીને સિંગલ ગ્રીડ શેપમાં તૈયાર કરવામાં આવી છે. આ એસી બે આકર્ષક કલર્સ એસેન્શિયલ વ્હાઇટ અને સોપસ્ટોન ચારકોલમાં ઉપલબ્ધ છે.
સેમસંગે આ એસીમાં એઆઈ મોશન વિન્ડ સિસ્ટમ આપી છે, જે યુઝર્સની સુવિધા માટે 7 અલગ-અલગ વિન્ડ મોડ્સ ઓફર કરે છે. આ મોડ્સમાં મેક્સ વિન્ડ, સરાઉન્ડ વિન્ડ, લોંગ રીચ વિન્ડ, ડાઉન વિન્ડ, એઆઈ ડાયરેક્ટ વિન્ડ, એઆઈ ઇનડાયરેક્ટ વિન્ડ અને સિગ્નેચર વિન્ડફ્રી મોડ સામેલ છે.
તેના સેન્ટરમાં મોશન વિંગ્સ નામની ત્રણ બ્લેડની એસેમ્બલી આપવામાં આવી છે, જે પહેલા કરતાં વધુ સારી રીતે વર્ટિકલ અને હોરિઝોન્ટલ એરફ્લોને એડજસ્ટ કરી શકે છે. જો તમે તેને ‘મેક્સ વિન્ડ મોડ’ પર ચલાવો છો, તો આ વિંગ્સ પૂરેપૂરા ખૂલી જાય છે અને રૂમને 15 ટકા વધુ ઝડપથી ઠંડો કરે છે. જ્યારે ‘લોંગ રીચ વિન્ડ મોડ’ ઠંડી હવાને રૂમમાં બમણા અંતર સુધી ફેંકી શકે છે.
સેમસંગે આ એસીમાં ખૂબ જ એડવાન્સ રડાર સેન્સર્સ આપ્યા છે, જેથી વારંવાર મેન્યુઅલ કંટ્રોલ કે રિમોટ દબાવવાની માથાકૂટ ખતમ થઈ જાય છે. આ સિસ્ટમની ખાસિયત એ છે કે તે રૂમમાં હાજર લોકોની હિલચાલ અને તેમની સ્થિતિને આપમેળે ઓળખી લે છે. જો એસીને ‘એઆઈ ડાયરેક્ટ વિન્ડ મોડ’ પર ચલાવવામાં આવે, તો સેન્સર તમારી લોકેશનને ટ્રેક કરીને સીધી તમારા સુધી કૂલિંગ પહોંચાડે છે.
બીજી તરફ, ‘એઆઈ ઇનડાયરેક્ટ વિન્ડ મોડ’ પવનને તમારા શરીરથી દૂર રાખે છે જેથી પવનના સીધા સંપર્કમાં આવ્યા વિના જ આખો રૂમ ઠંડો થઈ જાય. આ ફીચર્સ ત્યારે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે જ્યારે રૂમમાં લોકો સતત અવરજવર કરતા હોય અથવા કોઈ હિલચાલ થતી હોય. આ રડાર સિસ્ટમ તમારી મુવમેન્ટના હિસાબે એરફ્લોને સતત એડજસ્ટ કરતી રહે છે.