
માઈક્રોસોફ્ટ યુઝર્સ માટે સાયબર સુરક્ષાને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં માઈક્રોસોફ્ટની સેવાઓમાં સર્જાયેલી ટેકનિકલ ખામી બાદ હવે સાયબર ગુનેગારો આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યા છે. હેકર્સ માઈક્રોસોફ્ટના નામે વપરાશકર્તાઓને નકલી ઇમેઇલ મોકલી રહ્યા છે. આ ઇમેઇલ્સ દ્વારા લોકોને ફસાવીને તેમની લોગિન વિગતો અને અન્ય મહત્ત્વપૂર્ણ માહિતી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ખતરાને ધ્યાનમાં રાખીને માઈક્રોસોફ્ટે પોતાના યુઝર્સને સાવચેત રહેવાની સલાહ આપી છે.
છેલ્લા 24થી 30 કલાક દરમિયાન માઈક્રોસોફ્ટની વિવિધ સેવાઓમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે વિશ્વભરના વપરાશકર્તાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે હેકર્સ આ જ આઉટેજને હથિયાર બનાવીને ફિશિંગ હુમલા કરી રહ્યા છે. માઈક્રોસોફ્ટ થ્રેટ ઇન્ટેલિજન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ અંગે ચેતવણી આપી છે. કંપનીના જણાવ્યા અનુસાર, સાયબર ગુનેગારો પોતાને માઈક્રોસોફ્ટની ‘સર્વિસ નોટિફિકેશન ટીમ’ના સભ્ય તરીકે ઓળખાવીને નકલી ઇમેઇલ મોકલી રહ્યા છે. આ ઇમેઇલમાં દાવો કરવામાં આવે છે કે સર્વિસ આઉટેજ દરમિયાન અટવાયેલા કેટલાક ઇમેઇલ ટૂંક સમયમાં ડિલીટ થઈ શકે છે. તેમને પુનઃપ્રાપ્ત કરવા માટે યુઝર્સને એક લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે.
હેકર્સ દ્વારા મોકલવામાં આવતા નકલી ઇમેઇલમાં એવો દાવો કરવામાં આવે છે કે માઈક્રોસોફ્ટની સર્વિસમાં આવેલી ખામીને કારણે કેટલાક સંદેશાઓ તેમના યોગ્ય પ્રાપ્તકર્તા સુધી પહોંચી શક્યા નથી. જો આગામી 24 કલાકમાં આપવામાં આવેલી લિંક પર ક્લિક કરીને આ ઇમેઇલ્સ રિસ્ટોર કરવામાં નહીં આવે, તો તે કાયમ માટે ડિલીટ થઈ જશે. આ રીતે સમયમર્યાદાનો ડર બતાવીને વપરાશકર્તાઓને ઉતાવળમાં નિર્ણય લેવા માટે મજબૂર કરવામાં આવે છે. પરિણામે, યુઝર્સ અજાણી લિંક પર ક્લિક કરી પોતાની લોગિન વિગતો હેકર્સને આપી બેસે તેવી શક્યતા રહે છે.
માઈક્રોસોફ્ટના જણાવ્યા અનુસાર, આવા ફિશિંગ ઇમેઇલ્સને ઓળખવા માટે કેટલીક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. આ ઇમેઇલ્સની સબજેક્ટ લાઇનમાં ઘણીવાર ‘Outage’ શબ્દની સાથે છ અક્ષરો અને છ આંકડાનો કોડ આપવામાં આવે છે. આ ઉપરાંત, મોકલનારનું નામ પણ એવી રીતે દર્શાવવામાં આવે છે કે જાણે ઇમેઇલ માઈક્રોસોફ્ટના સત્તાવાર વિભાગમાંથી આવ્યો હોય. તેથી માત્ર મોકલનારના નામ પર વિશ્વાસ કરવાને બદલે તેની સંપૂર્ણ ઇમેઇલ એડ્રેસ અને લિંકની વિશ્વસનીયતા તપાસવી જરૂરી છે.
માઈક્રોસોફ્ટે આ સાયબર હુમલા સાથે જોડાયેલા ત્રણ શંકાસ્પદ ડોમેનની ઓળખ કરી છે. તેમાં moments-notice.com, planetmaison.com અને newbooker.comનો સમાવેશ થાય છે. આ ડોમેન પરથી મોકલવામાં આવતા ઇમેઇલમાં એવી લિંક્સ આપવામાં આવે છે, જે યુઝર્સને અન્ય શંકાસ્પદ વેબસાઇટ્સ પર લઈ જઈ શકે છે. માઈક્રોસોફ્ટના જણાવ્યા અનુસાર, આ સાયબર અભિયાન મુખ્યત્વે અમેરિકાના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત સંસ્થાઓ અને જૂથોને નિશાન બનાવી રહ્યું છે. જોકે, આ હુમલામાં અત્યાર સુધી કેટલા લોકોની લોગિન વિગતો ચોરાઈ છે અથવા કોઈ ડિવાઇસમાં માલવેર પહોંચાડવામાં આવ્યું છે કે નહીં, તે અંગે કંપનીએ હજુ સુધી સ્પષ્ટ માહિતી આપી નથી. હાલમાં આ સમગ્ર પ્રવૃત્તિને ક્રેડેન્શિયલ ફિશિંગ સાથે જોડીને તપાસવામાં આવી રહી છે.
આ સાયબર ખતરાથી બચવા માટે માઈક્રોસોફ્ટે વપરાશકર્તાઓ અને સુરક્ષા ટીમોને કેટલીક મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે. કંપનીએ Office 365 અને Microsoft Defender XDRનો ઉપયોગ કરીને શંકાસ્પદ ઇમેઇલ્સની તપાસ કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત, Microsoft Safe Links ફીચરનો યોગ્ય ઉપયોગ કરવા પણ સૂચના આપવામાં આવી છે. યુઝર્સે આઉટેજ અથવા ઇમેઇલ ડિલીટ થવાની ધમકી આપતા અજાણ્યા ઇમેઇલ્સથી સાવચેત રહેવું જોઈએ. જો માઈક્રોસોફ્ટની સર્વિસ સંબંધિત કોઈ સમસ્યા હોય, તો ઇમેઇલમાં આવેલી લિંક પર ક્લિક કરવાને બદલે સીધા Microsoft 365 Admin Centerની સત્તાવાર વેબસાઇટ પર જઈને માહિતી મેળવવી જોઈએ.
વિવાદોમાં ઘેરાયેલા Nvidia ના CEO ને શું નોકરી આપશે ‘Elon Musk’?