હવે WhatsApp પર જ મળશે PF બેલેન્સની માહિતી! પાસબુક ડાઉનલોડ કરો અને છેલ્લાં 5 ટ્રાન્ઝેક્શન પણ જુઓ

હવે EPFOની WhatsApp સર્વિસ દ્વારા ઘરે બેઠા PF બેલેન્સ ચેક કરી શકશો. માત્ર એક 'Hi' મેસેજ કરીને EPF પાસબુક ડાઉનલોડ કરી શકશો અને છેલ્લાં 5 ટ્રાન્ઝેક્શનની વિગતો પણ મેળવી શકશો. જાણો EPFOના WhatsApp નંબર, UAN વેરિફિકેશન અને PF ખાતાની સંપૂર્ણ માહિતી મેળવવાની સરળ પ્રક્રિયા

હવે WhatsApp પર જ મળશે PF બેલેન્સની માહિતી! પાસબુક ડાઉનલોડ કરો અને છેલ્લાં 5 ટ્રાન્ઝેક્શન પણ જુઓ
EPFO WhatsApp Service
| Updated on: Nov 18, 2026 | 9:39 AM

નોકરી કરતા કર્મચારીઓ માટે કામના સમાચાર છે. હવે તમારા પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતામાં કેટલા પૈસા જમા છે, છેલ્લાં પાંચ ટ્રાન્ઝેક્શન કેટલાં થયાં છે અને EPF પાસબુકમાં કેટલી રકમ છે, તેની માહિતી મેળવવા માટે વારંવાર EPFOની વેબસાઇટ ખોલવાની જરૂર નહીં પડે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની WhatsApp સર્વિસ દ્વારા આ વિગતો મોબાઇલ પર જ મેળવી શકાય છે. આ સર્વિસનો ઉપયોગ કરવા માટે તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી EPFOના સત્તાવાર WhatsApp નંબર પર મેસેજ કરવાનો રહેશે.

WhatsApp પર કેવી રીતે મળશે EPFOની સર્વિસ?

EPFOની WhatsApp સર્વિસનો લાભ લેવા માટે +91 87964 41800 નંબર પર ‘Hi’ લખીને મેસેજ મોકલવાનો રહેશે.આ મેસેજ મોકલ્યા બાદ તમને વેલકમ મેસેજ મળશે. ત્યારબાદ તમારી પસંદગીની ભાષા પસંદ કરવાનો વિકલ્પ મળશે. ભાષા પસંદ કર્યા પછી PF બેલેન્સ, પાસબુક અને અન્ય સેવાઓના વિકલ્પો જોવા મળશે.

WhatsAppથી EPF પાસબુક કેવી રીતે ડાઉનલોડ કરશો?

જો તમે તમારા PF ખાતામાં જમા થયેલી રકમ અને તેની વિગતો જોવા માંગતા હોવ તો નીચે આપેલા સ્ટેપ્સ અનુસરો.

  1. તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી +91 87964 41800 પર ‘Hi’ મેસેજ મોકલો.
  2. તમારી પસંદગીની ભાષા પસંદ કરો.
  3. મેનૂમાં ‘Download Passbook’ વિકલ્પ પસંદ કરો.
  4. એકથી વધુ UAN હોય તો સંબંધિત UAN પસંદ કરો.
  5. તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે.
  6. OTP દાખલ કરીને વેરિફિકેશન પૂર્ણ કરો.
  7. ત્યારબાદ તમારી EPF પાસબુક PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકશો.
  8. પાસબુક PDF ખોલવા માટે જન્મતારીખનો ઉપયોગ પાસવર્ડ તરીકે કરવાનો રહેશે.

WhatsApp પર PF બેલેન્સ કેવી રીતે ચેક કરશો?

જો તમારે PF ખાતામાં કેટલી રકમ જમા છે તે જાણવું હોય તો પણ WhatsAppની મદદ લઈ શકો છો.

  1. EPFOના સત્તાવાર નંબર પર ‘Hi’ મેસેજ મોકલો.
  2. તમારી પસંદગીની ભાષા પસંદ કરો.
  3. મેનૂમાંથી ‘Check PF Balance’ વિકલ્પ પસંદ કરો.
  4. જરૂર પડે તો OTP વેરિફિકેશન પૂર્ણ કરો.
  5. તમારું સંબંધિત PF એકાઉન્ટ પસંદ કરો.
  6. ત્યારબાદ તમારા PF બેલેન્સની વિગતો સ્ક્રીન પર જોવા મળશે.

છેલ્લાં 5 ટ્રાન્ઝેક્શન પણ જાણી શકશો

EPFOની આ સર્વિસમાં છેલ્લાં પાંચ ટ્રાન્ઝેક્શન જોવાની સુવિધા પણ આપવામાં આવી છે. આ માટે WhatsApp મેનૂમાં ‘Last 5 Transactions’ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જરૂર મુજબ OTP વેરિફિકેશન કર્યા બાદ તમારા ખાતામાં થયેલી છેલ્લી પાંચ એન્ટ્રીની વિગતો મળી શકશે. તેનાથી કંપની દ્વારા PFનું યોગદાન જમા થયું છે કે નહીં તે તપાસવામાં પણ મદદ મળશે.

શું છે UAN નંબર?

UAN એટલે યુનિવર્સલ એકાઉન્ટ નંબર. EPFO દ્વારા કર્મચારીઓને આપવામાં આવતો આ 12 આંકડાનો કાયમી નંબર છે. નોકરી બદલ્યા બાદ પણ કર્મચારીના અલગ-અલગ PF એકાઉન્ટને એક જ UAN સાથે જોડવામાં મદદ મળે છે. EPFOની સેવાઓ UMANG એપ પર પણ ઉપલબ્ધ છે. અહીંથી PF બેલેન્સ તપાસવા અને પાસબુક ડાઉનલોડ કરવા જેવી સુવિધાઓનો લાભ લઈ શકાય છે.

ખાસ ધ્યાન રાખો: WhatsApp પર માત્ર EPFOના સત્તાવાર નંબરનો જ ઉપયોગ કરો. કોઈ અજાણી વ્યક્તિ સાથે OTP, UAN પાસવર્ડ કે બેંકની ગુપ્ત વિગતો શેર કરશો નહીં. WhatsApp સર્વિસ ઉપલબ્ધ ન હોય તો EPFO પોર્ટલ અથવા UMANG એપનો ઉપયોગ કરી શકો છો.

Follow Us
Loading...
Unable to load recommendations.