
આજકાલ સ્માર્ટફોન વિના જીવન કલ્પના કરવું મુશ્કેલ બની ગયું છે. જ્યારે ફોનની બેટરી ખૂટી જાય છે ત્યારે લોકો સહેલાઈથી એરપોર્ટ, રેલવે સ્ટેશન, મોલ અથવા અન્ય જાહેર સ્થળોએ ઉપલબ્ધ USB ચાર્જિંગ પોર્ટનો ઉપયોગ કરે છે. પરંતુ આ સુવિધા ઘણી વખત જોખમકારક સાબિત થઈ શકે છે. જાણો આવા જ એક સાયબર થ્રેટ વિશે.
Juice Jacking એ એક સાયબર સુરક્ષા જોખમ છે જે જાહેર USB ચાર્જિંગ સ્ટેશનો સાથે જોડાયેલું છે. જ્યારે કોઈ વપરાશકર્તા પોતાનો ફોન અજાણ્યા USB પોર્ટમાં કનેક્ટ કરે છે, ત્યારે માત્ર વીજળી જ નહીં પરંતુ ડેટા ટ્રાન્સફર માટેની લાઇન પણ સક્રિય થઈ જાય છે. આ તકનો લાભ ઉઠાવી હેકર્સ ડિવાઇસ સુધી પહોંચ મેળવી શકે છે. આ જોખમ ખાસ કરીને એરપોર્ટ, મોલ, હોટેલ અને રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ વધારે જોવા મળે છે.
આ પ્રકારના હુમલામાં સાયબર ગુનેગારો પહેલાથી જ USB ચાર્જિંગ પોર્ટ અથવા કેબલમાં ફેરફાર કરીને તેને જોખમી બનાવી દે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો ફોન આવા પોર્ટ સાથે જોડે છે, ત્યારે ફક્ત બેટરી ચાર્જ થતી નથી, પરંતુ અંદરથી ડેટા સુધી પહોંચવાનો ગુપ્ત પ્રયાસ પણ શરૂ થઈ શકે છે.
યુઝરને ઘણીવાર આ બાબતનો ખ્યાલ પણ આવતો નથી. ક્યારેક ફોનમાં અજાણતાં જ હાનિકારક એપ્લિકેશન અથવા સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ જાય છે, જે સતત ડિવાઇસની માહિતી એકત્રિત કરતું રહે છે. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ઝડપથી અને કોઈપણ ચેતવણીઓ આપ્યા વિના થઈ શકે છે.