
અત્યાર સુધી આપણે QR કોડ સ્કેન કરીને કે UPI પિન નાખીને પેમેન્ટ કરવા ટેવાયેલા છીએ, પરંતુ તેમાં ઈન્ટરનેટ હોવું અનિવાર્ય છે. હવે ડિજિટલ પેમેન્ટ જાયન્ટ PhonePe એ આ મર્યાદાને તોડી નાખી છે. કંપનીએ ‘ફોનપે રૂપે ઓન-ધ-ગો કાર્ડ’ લોન્ચ કર્યું છે, જે તમારી મુસાફરીને અત્યંત સરળ અને હાઈ-ટેક બનાવી દેશે.
આ માત્ર એક સામાન્ય કાર્ડ નથી, પણ એક નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) છે. આ કાર્ડની સૌથી મોટી અને ચોંકાવનારી વાત એ છે કે આનાથી પેમેન્ટ કરવા માટે તમારે ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્કની જરૂર નથી. તમે બસ ટર્મિનલ કે મેટ્રો ગેટ પર જઈને માત્ર કાર્ડ ‘ટૅપ’ કરશો અને તમારું પેમેન્ટ સેકન્ડોમાં થઈ જશે.
આ કાર્ડ પ્રી-પેડ મોડલ પર ચાલે છે. કાર્ડની અંદર એક ખાસ ‘ચિપ’ લગાવવામાં આવી છે, જેમાં તમારી રકમ સ્ટોર રહે છે.
હાલમાં આ કાર્ડની શરૂઆત હૈદરાબાદ મેટ્રો થી કરવામાં આવી છે, પરંતુ આ કાર્ડ ‘ઇન્ટર-ઓપરેબલ’ છે. એટલે કે, એકવાર ખરીદ્યા પછી તમે તેનો ઉપયોગ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બેંગલુરુ જેવા શહેરોના તમામ NCMC સક્ષમ ટ્રાન્સપોર્ટ, પાર્કિંગ અને ટોલ નાકા પર કરી શકશો.
મેટ્રોના ટિકિટ કાઉન્ટર પરથી માત્ર મોબાઈલ નંબરના વેરિફિકેશન દ્વારા આ કાર્ડ મેળવી શકો છો. ફોનપેના પેમેન્ટ વિભાગના વડાએ જણાવ્યું કે, આ કાર્ડ કરોડો મુસાફરો માટે ગેમ-ચેન્જર સાબિત થશે, જેઓ દરરોજ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે.