એલોન મસ્કે(Elon Musk)સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter)ખરીદ્યું છે. આ ડીલ 44 અરબ ડોલરમાં કરવામાં આવી છે અને તેની સાથે 2013 થી સાર્વજનિક ચાલતી કંપની હવે ખાનગી બની જશે. ટ્વિટરના વેચાણ સાથે, લોકો કંપનીના વર્તમાન CEO પરાગ અગ્રવાલ(CEO Parag Agrawal)ની વિદાય વિશે અનુમાન લગાવી રહ્યા છે. જોકે, આવું થશે કે નહીં તે અંગે કોઈ નક્કર માહિતી નથી. ભારતીય મૂળના પરાગ અગ્રવાલ, અગાઉ ટ્વિટરના ચીફ ટેક્નોલોજી ઓફિસર હતા, તેમને નવેમ્બરમાં CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
જો રિપોર્ટ્સનું માનીએ તો ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ જો વિદાય લેશે તો તેમને 4.2 કરોડ ડોલર (આશરે રૂ. 321.6 કરોડ) મળશે. રિસર્ચ ફર્મ ઈક્વિલરના જણાવ્યા અનુસાર, જો વર્તમાન સીઈઓ પરાગ અગ્રવાલને કંપનીના વેચાણના 12 મહિનાની અંદર ટ્વિટરમાંથી કાઢી મૂકવામાં આવે છે, તો તેમને લગભગ 4.2 કરોડ ડોલર મળશે.
આપને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતથી જ એલોન મસ્ક ટ્વિટર ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એપ્રિલની શરૂઆતમાં, તેણે કંપનીમાં 9.2% હિસ્સો ખરીદ્યો હતો અને હવે આખી કંપની તેની માલિકીની છે. 14 એપ્રિલના રોજ સિક્યોરિટી ફાઇલિંગમાં, મસ્કે જણાવ્યું હતું કે તેને ટ્વિટરના વર્તમાન મેનેજમેન્ટ પર વિશ્વાસ નથી.
આ સિવાય મસ્ક છેલ્લા કેટલાક સમયથી ટ્વિટરની પોલિસી પર સતત સવાલો ઉઠાવી રહ્યા હતા. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે કંપનીના વેચાણ બાદ પરાગ અગ્રવાલને વિદાય મળી શકે છે.
ઈક્વિલરે તેના અહેવાલમાં પરાગ અગ્રવાલના એક વર્ષના બેઝ સેલરી અને તેના ઈક્વિટી એવોર્ડસના એક્સીલેરેટેડ વેસ્ટિંગના આધારે આ રકમનો અંદાજ લગાવ્યો છે. ટ્વિટરના પ્રતિનિધિએ ઇક્વિલર(Equilar)ના અંદાજ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. આપને જણાવી દઈએ કે પરાગ અગ્રવાલને ગયા વર્ષે નવેમ્બરમાં ટ્વિટરના સીઈઓ બનાવવામાં આવ્યા હતા. ટ્વિટર પ્રોક્સી અનુસાર, વર્ષ 2021 માટે તેનું કુલ વળતર 3.04 કરોડ ડોલર હતું, જેમાં મોટાભાગે સ્ટોક એવોર્ડસના રૂપમાં મળ્યો હતો.
આ પણ વાંચો: Tech News: iPhone યુઝર્સ માટે મોટા સમાચાર, એપલે ડેવલપર્સને આપી નોટિસ, આ એપ્લિકેશનો એપ સ્ટોરમાંથી કરાશે દૂર
આ પણ વાંચો: Tech Tips: WhatsAppના નવા Group Call ફિચરનો કેવી રીતે કરવો ઉપયોગ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 9:58 am, Tue, 26 April 22