ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી મેલબોર્ન ટેસ્ટ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલનું સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. સાઉથ આફ્રિકાએ બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને 2 વિકેટથી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. એટલે કે ઈંગ્લેન્ડના લોર્ડ્સના મેદાનમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે એક ટીમ મળી ગઈ છે અને હવે માત્ર એક જ જગ્યા ખાલી છે. મતલબ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટીમોમાંથી એકનું આ રેસમાંથી બહાર થવું નિશ્ચિત છે. પરંતુ એક સમીકરણ છે જે બંને ટીમોને બહાર કરી શકે છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા હાલમાં 1-1થી બરાબરી પર છે. તો સિરીઝની ચોથી મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે, ત્યારબાદ સિડનીમાં પણ એક મેચ રમાશે. આવી સ્થિતિમાં, જો ટીમ ઈન્ડિયા આ બંને મેચ જીતી જાય છે, તો તે સીધી ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લેશે અને ઓસ્ટ્રેલિયાને બહાર કરી દેશે. પરંતુ જો ભારતીય ટીમ આ મેચ ડ્રો કરે છે અને સિરીઝમાં આગામી મેચ 2-1થી જીતે છે તો તેને શ્રીલંકા પર નિર્ભર રહેવું પડશે. શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાએ પણ બે ટેસ્ટ મેચ રમવાની છે. આવી સ્થિતિમાં જો ટીમ ઈન્ડિયા 2-1થી જીતે છે, તો ભારત માટે શ્રીલંકા તેની સિરીઝની મેચો ડ્રો કરે અને ઓસ્ટ્રેલિયા એક પણ મેચ ન જીતે તો ફાયદો થશે.
South Africa are headed to Lord’s for the #WTC25 Final #SAvPAK ➡ https://t.co/vWLh4MSQjm pic.twitter.com/sZ5QBnDAYD
— ICC (@ICC) December 29, 2024
બીજી તરફ જો બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 1-1 અથવા 2-2થી બરાબર રહેશે તો શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી સિરીઝ વધુ રોમાંચક બની જશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ પ્રાર્થના કરવી પડશે કે શ્રીલંકા ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે એક પણ મેચ ન જીતે અને ઓછામાં ઓછી એક મેચ જીતે તો જ ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી શકશે. આ સિવાય જો ટીમ ઈન્ડિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હારી જશે તો તે સીધી ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે.
તમને જણાવી દઈએ કે, ભારત અને ઓસ્ટ્રેલિયા સિવાય શ્રીલંકાની ટીમ પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાં છે. જો ટીમ ઈન્ડિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2-1થી જીતે છે અથવા સિરીઝ ડ્રો થાય છે તો શ્રીલંકા પણ ફાઇનલમાં પહોંચી શકે છે. તેમને માત્ર ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવવું પડશે. આવી સ્થિતિમાં ભારતની સાથે ઓસ્ટ્રેલિયા પણ ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે.
Published On - 7:23 pm, Sun, 29 December 24