
ભારતીય ટેનિસ જગતમાં એક નવો સિતારો ઉભરી આવ્યો છે. જૂનાગઢ (Junagadh) ની 12 વર્ષ અને પાંચ મહિનાની યુવા ટેનિસ ખેલાડી જસી દીપકભાઈ કાનાબારાએ ઇતિહાસ રચ્યો છે.
ન્યુ દિલ્હી ખાતે આયોજિત ITF W15 ટુર્નામેન્ટમાં તેના શાનદાર પ્રદર્શને સૌનું ધ્યાન ખેંચ્યું છે. જસીએ પ્રો સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવીને દેશની દિગ્ગજ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાનો ૨૫ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ સાથે જ તે ITF ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી સૌથી નાની ઉંમરની ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે, જે ભારતીય ટેનિસના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરે છે.
જસી કાનાબારા માટે આ સિદ્ધિ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે આ તેની બીજી જ ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન ટુર્નામેન્ટ હતી. આટલી નાની ઉંમરે અને આટલા ઓછા અનુભવ સાથે તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરી છે. ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં તેણે WTA રેન્કિંગ ધરાવતી ખેલાડી સંદીપ્તિ સિંહ રાવ સામે ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.
આ મેચ અત્યંત રોમાંચક રહી હતી, જ્યાં જસીએ પોતાની માનસિક મજબૂતી અને રમત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. બીજા સેટમાં ચાર સેટ પોઈન્ટ બચાવીને તેણે 6-3, 7-૫થી જીત મેળવી અને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
જૂનાગઢ, ગુજરાત માટે આ ગર્વની ક્ષણ છે. જસીની આ સફળતા માત્ર તેના પરિવાર અને કોચ માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે પ્રેરણાદાયક છે. આ યુવા પ્રતિભાએ દર્શાવ્યું છે કે યોગ્ય માર્ગદર્શન, કઠોર પરિશ્રમ અને દ્રઢ નિશ્ચય હોય તો નાની ઉંમરે પણ મોટા સપના સાકાર કરી શકાય છે. તે ભારતીય ટેનિસનું ઉજ્જવળ ભવિષ્ય છે.
આ પ્રકારની સિદ્ધિઓ ભારતીય ટેનિસના ભવિષ્ય માટે ખૂબ જ સારા સંકેતો માનવામાં આવે છે. જસી કાનાબારા જેવી યુવા ખેલાડીઓ ભારતીય ટેનિસને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ઊંચાઈઓ પર લઈ જવાની ક્ષમતા ધરાવે છે. તેની આ શરૂઆતની સફળતા ભવિષ્યમાં દેશનું નામ રોશન કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે. ભારતીય રમતગમત જગત જસી પાસેથી ભવિષ્યમાં આવા જ શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યું છે. આશા છે કે તે પોતાની પ્રતિભા અને પરિશ્રમથી વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને ભારતને ટેનિસના નકશા પર ગૌરવ અપાવશે.
હિટમેન પર પ્રેમનો વરસાદ, જન્મદિવસ પર પત્નીનો સ્પેશિયલ મેસેજ, સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ
Published On - 9:22 pm, Thu, 30 April 26